(એજન્સી) તા.૧૬
૩૨ હજાર ફૂટની ઊંચાઇએ પ્લેનની બારી તૂટતાં કો-પાયલટ માંડ બચ્યા. સમાચાર એજન્સી રોઈટર્સના અહેવાલ મુજબ, ચીનની સિચોન એરલાઈન્સનું પ્લેન ૩યુ ૮૬૩૩ ચોંગકીંગથી તિબેટના લ્હાસા તરફ જઇ રહ્યું હતું ત્યારે અચાનક પ્લેનના કોકપીટની બારીનો કાચ તૂટી ગયો હતો. પ્લેનના પાયલટ લિઉએ ચીની વેબસાઈટ ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, “પ્લેન લગભગ ૯૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઊડી રહ્યું હતું. અચાનક પ્લેનની બારી તૂટી અને જોરદાર ધડાકો થયો. મેં બાજુમાં જોયું તો કો-પાયલટનું અડધું શરીર પ્લેનની બહાર હતું. એ ભાગ્યશાળી હતા કે તેમણે સીટ બેલ્ટ બાંધેલો હતો.”
લિઉએ જણાવ્યું “પ્લેનની બારી તૂટતાં અંદર ઑક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું. પરંતુ અમે પ્લેનને આટલી ઊંચાઈથી નીચે લાવ્યા જ્યાં ઑક્સિજન પ્રમાણસર હોય.”
આ ઘટના બનતાં જ પ્લેનનું દક્ષિણ ચીનના ચેન્ગ્ડુ શહેરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ ઘટનામાં કોઈ યાત્રીઓને નુકસાન થયું નથી. પરંતુ પાયલટને થોડી ઇજા પહોંચી છે.
વેબસાઈટના અહેવાલ મુજબ પ્લેનની ઊંચાઈ જમીનથી ૩૨૦૦૦ ફૂટ હતી. આ ઘટના બાદ પ્લેન ઝડપથી નીચે તરફ આવવા લાગ્યું. પાયલટની સૂઝબૂઝથી પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક થયું હતું.