(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરના લિંબાયતના શાહપુરા વિસ્તારમાં એક યુવક પર ૭થી ૮ ઈસમોએ તલવાર અને લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકનું મોત નિપજ્યું હતું. જેથી પોલીસે કેટલાક શંકાસ્પદ યુવકોની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.આ ઘટનામાં મૃતકના પરિવારજનોએ લીંબાયત પોલીસની કાર્યવાહી ઉપર પ્રશ્નો મૂકી તથા આરોપીઓ સાથે મિલીભગતના આક્ષેપ કરી લીંબાયત પીઆઈને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હોવાનું જાણવા મળે છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના લિંબાયત વિસ્તારના શાહપુરામાં રહેતો ગુફરાન ચિરાગ મન્સૂરી (ઉ.વ.૨૫)ગઈ કાલે રાત્રે આશરે ૧૧.૩૦ વાગે શાહપુરામાં પોતાની બેઠક ઉપર કેટલાક મિત્રો સાથે બેઠેલો હતો. ત્યારે એકાએક ૭-૮ ઈસમો ધસી આવેલા. પહેલા આરોપીઓએ ગુફરાન સાથે જે લોકો બેસેલા હતા. તેમને વચ્ચે નહિ આવવાનું કહીને ઝગડો કર્યો હતો. ત્યારબાદ તલવાર અને લાકડાના ફટકા લઈને ગુફરાન ઉપર તૂટી પડ્યા હતા. તેના ઉપર એટલી ક્રુરતાથી ઘા ઝીંકયા હતા કે તલવાર તૂટી ગઈ હતી. માથા, હાથ ,પેટ જાંગ, કાન સહિત શરીરના જુદા જુદા ભાગોમાં આડેધડ ઘા મારી તેને લોહીમાં ન્હવડાવી ભાગી છૂટ્યા હતા. જ્યારે ઘટના અંગે ખબર પડતા લીંબાયત પોલીસ દોડતી થઈ હતી. પીઆઈ એન.ડી.સોલંકી સહીત કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગુફરાન મન્સૂરીને સ્મીમેર હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ઉધના નહેર ઉપર આવેલી આઈએનએસ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો. વધુમાં લીંબાયત પોલીસે જણાવ્યું હતું કે ગુફરાન ઉપર આરોપી સમીર ઉર્ફે ડમ્મર,અક્રમ શાહ, નાઝીમ મરધી, ગફ્ફાર, અમ્માર ઉર્ફે મોહમ્મદ હુસેને હુમલો કર્યો હતો. ચાર મહિના પહેલા મરનાર અને આરોપીઓ વચ્ચે ટેમ્પાના પાર્કિંગા મુદ્દે ઝગડો થયો હતો. જ્યારે ઘટનાને લઈને મરનારના પરિવારજનો રોષે ભરાયા હતા. પરિવાજનો તેમજ મિત્ર આઈએનએસ હોસ્પિટલમાં ભેગા થઈ ગયા હતા અને તેઓએ માગણી કરી હતી કે જ્યાં સુધી લીંબાયત પીઆઈ એન.ડી. સોલંકીને સસ્પેન્ડ નહિ કરવામાં આવશે ત્યાં સુધી લાશ નહિ સ્વીકારીએ. પરિસ્થિતિ વણસતા ખટોદરા પીઆઈ સહીત પોલીસ કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસ કર્યા હતા.