(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૫
સુરત શહેરના માંગરોળ તાલુકામાં આજથી નવ વર્ષે પૂર્વે માંગરોળ ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં સ્થાનિક લોકો વચ્ચે થયેલા લોહીયાળ જંગમાં એક વ્યક્તિની થયેલ હત્યા અને હત્યાના પ્રયાસ સબબની થયેલ બે જુદી જુદી નોંધાયેલ ફરિયાદનો એક જ દિવસે અત્રેની કોર્ટમાં ચૂકાદો આવ્યો હતો, જેમાં હાલના જીલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા અફઝલ પઠાણને થયેલ દસ વર્ષની કેદની સજાને પગલે ખુદ ભાજપના જ કેટલાક આગેવાનો દ્વારા જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા અફઝલ ખાન પઠાણનું રાજીનામું માંગવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું સુરત જિલ્લા પંચાયત ખાતેથી જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ભાટકોલ ગામે ગત તા.૨૬મી એપ્રિલ ર૦૧૧ના રોજ સવા છ વાગ્યાની આસપાસ ગુલામખાન યુસુફખાન પઠાણ પાસે આવેલ હબીબખાન પઠાણના ઘરના આંગણામાં બેસી એમની પુત્રી નાઝનીનના લગ્નની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અગાઉ ગ્રામ પંચાયતના ઇલેકશનની અદાવત રાખી આસીફ મેયુદ્દીન મલેક તથા અનવર ઉર્ફે સાજીદ ઇબ્રાહીમ મલેક બાઇક ઉપર આવી મોટરસાઇકલ સીધી ગુલામખાન અને હબીબખાન ઉપર ચઢાવી દીધી હતી તે બાબતે પુચ્છા કરતાં બંને અપશબ્દો અને અભદ્ર વ્યવહાર કરી મારામારી ઉપર ઉતરી આવ્યા હતા અને તેમની પાછળ થોડીક જ મિનિટમાં ર૦થી રપ માણસોનું ટોળુ હથિયારો સાથે ધસી આવી સામુહિક હુમલો કર્યો હતો. ઉપરોક્ત બનાવ બાબતે હાલના જિલ્લા શાસક પક્ષના નેતા અફઝલખાન પઠાણના ભાઇ બાબુખાન યુસુફખાન પઠાણ મારૂતિવાન લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને પણ વાનમાંથી બહાર કાઢી ટોળાઓ દ્વારા ગાડીમાંથી બહાર કાઢી તિક્ષ્ણ હથિયાર વડેે ઘાં ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી તેમજ આ ઘટનામાં મુમતાઝ નશરુકાલુ મિરઝા સહિત અન્યને ગંભીર ઇજા પહોંચી હતી અને ઇકબાલ મિરઝા, બાબુખાન હબીબખાન પઠાણ, તૌસીફખાન પઠાણને મારી નાખવાના ઇરાદે માથાના ભાગે ઘા કરી હત્યા કર્યાનો પ્રયાસ કરવાના બનાવ અંગે ગુલામખાન પઠાણ કોસંબા પોલીસ મથકમાં રર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે ગુલાબખાન પઠાણ સહિત અન્ય વિરુધ્ધમાં પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. નવ વર્ષ પહેલા થયેલ સામ સામે હત્યા અને હત્યાના પ્રયાસમાં અંતિમ ચુકાદો સુરત સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બંને પક્ષોને ગંભીર સજા ફટકારી હતી. જેમાં હાલના જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા અફઝલખાન પઠાણને પણ દસ વર્ષની કેદની સજા થતાં તેમને તાત્કાલિક લાજપોર જેલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જે બાબતની જાણ ભાજપના ઉપરી લેવલે થતા સુરત જિલ્લા પંચાયતમાં રાજકીય માહોલ ગરમાયો હતો અને ભાજપના જ કેટલાક આગેવાનો અફઝલખાન પઠાણનું જિલ્લા પંચાયતના સભ્ય પદ રદ થાય તે માટે દોડધામ શરૂ કરી દીધી હતી અને આ માટે ભાજપના પ્રદેશ લેવલે પણ માર્ગદર્શન માંગવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. આ પ્રકરણમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોર્ટના ચુકાદાની નકલ મેળવી લઇ સીધી વિકાસ કમિશનરને મોકલશે તો આ પંચાયતના અધિનિયમના આધારે વિકાસ કમિશનર ડીડીઓના રીપોર્ટ ઉપર પણ શાસક પક્ષના નેતા પદ લઇ લેશે તે બાબતે સુરત જિલ્લા પંચાયતના ભાજપના જ કેટલાક સભ્યોમાં ચર્ચાઇ રહ્યું હોવાનું વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.