(સંવાદદાતા દ્વારા)
અમરેલી, તા.૧૬
રાજુલા તાલુકાના સમઢીયાળા ગામે રહેતો અને ટ્રાન્સપોર્ટનું કામ કરતો દલિત યુવાન ગામમાં આવેલ બાપા સીતારામના ઓટલા પાસે કામ કરતો હોઈ જે ગામના લોકોને ગમતું ન હોઈ જેના કારણે ગામના ૧૦ શખ્સોએ એક સંપ કરી કારમાં આવી દલિત યુવાન ઉપર લાકડી અને લોખંડના પાઇપ વતી હુમલો કરી તેની હત્યા નિપજાવી નાખતા આ દલિત સમાજમાં પણ રોષ ફાટી નીકળેલ છે અને મૃતક યુવાનના હત્યારાઓને જ્યાં સુધી પોલીસ પકડી ન લે ત્યાં સુધી લાશ નહિ સ્વીકારવાની પણ ચર્ચા સાંભળવા મળેલ છે. આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સમઢિયાળા ગામે રહેતો અને માયા ટ્રાન્સપોર્ટમાં કામ કરતો જ્યંતી કાંતિભાઈ મારૂં (ઉ.વ.૨૪)નો ગઈકાલે રાત્રે ૧૦ઃ૩૦ વાગ્યે પટવા ગામ રસ્તે આવેલ બાપા સીતારામના ઓટલા પાસે હતો ત્યારે ગામમાં રહેતા ખોડા ભગા મકવાણા, અરવિંદ ભગા મકવાણા, વાળા રૂખડ ગુજરિયા, અરવિંદ ખોડા મકવાણા, કાળું અર્જન ગુજરિયા, કિશોર બાબુ ધૂંધલવા,વિક્રમ ગોવિંદ ગુજરિયા, બટુક કાના મકવાણા, જેરામ કાના મકવાણા અને વિશન છગન બામભણીયા સહિતનાઓ એક કારમાં આવી જ્યંતિભાઈ મારુ ઉપર લાકડી અને લોખંડના પાઇપ વતી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા જ્યંતીભાઈને તાત્કાલિક ભાવનગર સારવારમાં ખસડેલ હતો જ્યાં તેનું મોત નિપજતા આ મામલો હત્યામાં પરિણમ્યો હતો જેથી પીપાવાવ મરીન પોલીસના પીએસઆઇ વિશ્વજીતસિંહ. એલ. પરમાર સહિતનો સ્ટાફ ભાવનગર પહોંચી ગયેલ હતો અને ત્યાં ભાવનાબેન નાગજીભાઈ સરવૈયા એ મરીન પીપાવાવ પોલીસને ફરિયાદ લખાવી હતી. મૃતક દલિત યુવાનના પરિવારે આરોપીઓ પકડાઈ ના જાય ત્યાં સુધી લાશ નહિ સ્વીકરવાનો નિર્ણય કર્યો હોવાની પણ ચર્ચા સાંભળવા મળેલ છે જોકે મેરિન પીએસઆઇ વિશ્વજીતસિંહ પરમારે એ જણાવ્યું હતુંકે મૃતકના પરિવારે લાશ નહિ સ્વીકારવા બાબતે કોઈ ચર્ચા નથી.