નવી દિલ્હી, તા.૧૬
ભારતીય મહિલા ક્રિકેટર માટે સારા સમાચાર છે. બીસીસીઆઈએ આઈપીએલની હાલની ટુર્નામેન્ટના પ્લે ઓફ પહેલા મહિલાઓ માટે આઈપીએલ જેવી એક મેચનું આયોજન કર્યું છે આ ફેન્ડલી મેચમાં ટવેન્ટી-ર૦ ટીમનું નેતૃત્વ હરમનપ્રીત અને દિગ્ગજ બેટ્સમેન સ્મુતિ મંધાના કરશે. આ મહિલા ટવેન્ટી-ર૦ ચેલેન્જ રર મેના રોજ રમાશે. બીસીસીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, વર્લ્ડકપ ર૦૧૭ની ફાઈનલમાં પહોંચેલી ભારતીય ટીમની સફળતાને જોતા આ નિર્ણય લેવાયો છે. આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ખેલાડીઓ ભાગ લેશે. આ મામલાને લઈ આઈપીએલના ચેરમેન રાજીવ શુકલાએ કહ્યું કે, આઈપીએલ પહેલાની જેમ ચાલતી રહેશે. અમારો પ્રયાસ છે કે મહિલા ક્રિકેટરોને પણ આઈપીએલ જેવા મોટા મંચ પર રમવાની તક મળે. આ મુકાબલા માટે અમે અનેક ક્રિકેટ બોર્ડ સાથે વાત કરી છે હું તેના પરિણામથી ખુશ પણ છું. આ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.