ડબલિન, તા.૧૬
ઓપનર બેટ્સમેન ઈમામ ઉલ હકના અણનમ ૭૪ રનની મદદથી પાકિસ્તાને આયરલેન્ડને તેની ઐતિહાસિક પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચના અંતિમ દિવસે પાંચ વિકેટે પરાજય આપ્યો. વિજય માટે ચોથી ઈનિંગમાં પાકિસ્તાનને ૧૬૦ રનનું લક્ષ્યાંક મળ્યું હતું. પણ ટીમ ૧૪ રનમાં ત્રણ વિકેટ ગુમાવી મુશ્કેલીમાં હ હતી.પોતાની પર્દાપણ મેચ રમી રહેલા ઈમામે જો કે એક છેડો સંભાળી રાખી ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર અને પૂર્વ કપ્તાન ઈન્ઝમામના ભત્રીજા ઈમામે બાબર આઝમ (પ૯) સાથે ચોથી વિકેટ માટે ૧ર૬ રનની ભાગીદારી કરી. આ પહેલો ફોલોઓન રમતા આયરલેન્ડે પાંચમા દિવસની શરૂઆત સાત વિકેટે ૩૧૯ રનથી કરી હતી. ટીમ જો કે બીજા ર૦ રન ઉમેરી ૩૩૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આયરલેન્ડ માટે પ્રથમ ટેસ્ટ સદી બનાવનાર કેવિન ઓબ્રાયન આજે પહેલા જ બોલે આઉટ થઈ ગયો તેની ૧૧૮ રનની ઈનિંગનો અંત મોહંમદ અબ્બાસે કર્યો. અબ્બાસે ૬૬ રનમાં પાંચ વિકેટ ઝડપી.