(એજન્સી) અલ્હાબાદ, તા.૧૬
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઇકોર્ટના પરિસરમાં આવેલી ગેરકાનૂની મસ્જિદ અન્ય ખસેડવા મસ્જિદ માટે જમીન આપવાની શક્યતા ચકાસવાનો ઉત્તર પ્રદેશ સરકારને સુપ્રીમકોર્ટે આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડની બનેલી બેંચે સમસ્યા ઉકેલવા માટે મસ્જિદને અન્યત્ર ખસેડવા અંગે સૂચનો મેળવવા ઉત્તર પ્રદેશ સરકારના વકીલને આદેશ આપ્યો છે. મસ્જિદ હાઇકોર્ટ પરિસરમાંથી અન્યત્ર ખસેડવા માટે ત્રણ મહિનાનો સમય આપતા અલ્હાબાદ હાઇકોર્ટના ૨૦૧૭ની ૮મી નવેમ્બરના આદેશને પડકારતી વકફ બોર્ડની અરજીની સુનાવણી કરતી વખતે સુપ્રીમકોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.
ઉત્તર પ્રદેશ સરકાર તરફથી ઉપસ્થિત થયેલા અધિક એડવોકેટ જનરલ ઐશ્વર્યા ભાટીએ જણાવ્યું કે અલ્હાબાદ હાઇકોર્ટ પરિસરમાંથી મસ્જિદ અન્યત્ર ખસેડવા માટે વૈકલ્પિક જમીન શોધવાનો વહીવટીતંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે અને જો આ કાર્ય ન કરી શકાય તો યુપી સરકાર આ કેસની ૩જી જુલાઇએ હાથ ધરાનારી આગામી સુનાવણી વખતે તેના કારણોથી સુપ્રીમકોર્ટને વાકેફ કરવામાં આવશે.
બીજી એપ્રિલે અલ્હાબાદ હાઇકોર્ટે સુપ્રીમકોર્ટને જણાવ્યું કે હાઇકોર્ટ પરિસરમાંની મસ્જિદ અન્યત્ર ખસેડવા માટે વૈકલ્પિક જમીન ઉપલબ્ધ નથી અને રાજ્ય સરકાર અન્ય જગ્યાએ મસ્જિદ ખસેડવા અંગે વિચારણા કરી શકે છે ત્યારે સુપ્રીમકોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર પાસે તેનું મંતવ્ય માગ્યું હતું અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને રાજ્ય સરકારના વકીલને એક કોપી આપવાનો આદેશ આપ્યો હતો. અગાઉ, સુપ્રીમકોર્ટે પક્ષકારોને મસ્જિદ અન્યત્ર ખસેડવા અંગે સર્વસંમતિ સાધવાનો આદેશ આપ્યો હતો.