(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
એસસી/એસટી બાબત કેન્દ્ર સરકાર દ્વારા દાખલ થયેલ પુનર્વિચાર અરજી ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે કહ્યું કે કોર્ટનો જૂનો આદેશ કાયમ રહેશે. આ મામલે વેકેશન પછી વધુ સુનાવણી હાથ ધરશે. કોર્ટે કહ્યું કે જો એક તરફી નિવેદનોના આધારે કોઈ નાગરિકના માથે ધરપકડની તલવાર લટકતી રહે તો સમજવું કે અમે સભ્ય સમાજમાં નથી રહેતા. જજ આદર્શ ગોયલે કહ્યું કે સંસદ પણ એ પ્રકારનો કાયદો ઘડી ન શકે જે નાગરિકોના જીવન જીવવાના અધિકારનો ભંગ કરતો હોય અને યોગ્ય પ્રક્રિયાના પાલન વિના વ્યક્તિને સળિયા પાછળ ધકેલતો હોય. કોર્ટે આ આદેશ અનુચ્છેદ ર૧ હેઠળ અપાયેલ મૂળભૂત અધિકારને ધ્યાનમાં રાખી આપ્યો છે. જેથી એનું રક્ષણ થઈ શકે. કોર્ટે કહ્યું કે જીવવાના અધિકાર માટે કોઈને ઈન્કાર કરી શકાય નહીં. બીજી બાજુ એટર્ની જનરલ વેણુગોપાલે કહ્યું કે જીવવાનો અધિકાર વ્યાપક છે. આમાં રોજગારી, આશ્રય અને બીજા પણ મૂળભૂત અધિકારો છે પણ વિકાસશીલ દેશ કોઈ પણ નાગરિકને બધા મૂળભૂત અધિકારો આપી ન શકે. શું સરકાર બધાને રોજગારી આપી શકે ? સુપ્રીમકોર્ટે ગઈ સુનાવણી વખતે કહ્યું હતું કે, એસસી/એસટી કાયદા હેઠળ ધરપકડ કરતા પહેલાં તપાસ થવી જોઈએ. જ્યારે ફરિયાદ ખોટી જણાય તો તપાસ અનિવાર્ય થવી જોઈએ. જો કે, બધી ફરિયાદોની તપાસ ફરજિયાત નથી. એ સાથે જ કોર્ટે પોતાના જૂના આદેશ ઉપર મનાઈ ફરમાવતા ઈન્કાર કર્યો. કોર્ટે પોતાના ચુકાદાને રક્ષણાત્મક ગણાવ્યો. સુપ્રીમકોર્ટે કહ્યું કે આ કાયદા હેઠળ દાખલ થતી ફરિયાદોમાંથી અનેક ફરિયાદો ખોટી પણ હોય છે. જેમાં સત્ય નથી હોતું. એવી ફરિયાદો બાબત તપાસ થવી જોઈએ. ઘણી વખત પોલીસને જણાય છે કે, ફરિયાદ ખોટી છે તેમ છતાં કાયદાની જોગવાઈને લઈ એમને ધરપકડ કરવી પડે છે. અમારા ચુકાદામાં તપાસ ફરજિયાત નથી લખાઈ. ફકત એક જ ફરિયાદોમાં તપાસ અનિવાર્ય છે જે કેસોમાં પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ જ ખોટી હોવાની સંભાવના જણાવતી હોય.