(સંવાદદાતા દ્વારા) ગોધરા, તા.૧૬
ગોધરા તાલુકાના છકડિયા ચોકડી પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. પૌત્રના ઈલાજ માટે જઈ રહેલ વણકર પરિવાર અકસ્માતે મોતને ભેટતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. ગોધરા તાલુકાના ભામૈયા ગામના ૬૦ વર્ષીય લાખાભાઇ વણકર પોતાના પુત્રવધૂ અને પૌત્ર સાથે એક્ટિવા પર સવાર થઈ છકડિયા ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલ ટ્રકચાલકે અડફેટમાં લેતા ત્રણેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જી ટ્રકચાલક ઘટના સ્થળે ટ્રક મૂકી ફરાર થયો હતો જ્યારે બનાવને લઇ વિસ્તારમાં લોક ટોળા એકઠા થયા હતા. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા કાંકણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતના કારણે મોતને ભેટનાર ત્રણેના મૃતદેહો કાંકણપુર હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ તરફ અકસ્માત સર્જી ફરાર ટ્રકચાલક સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર ગળાના રોગથી પીડાતા પૌત્રના ઈલાજ માટે લાખાભાઇ પોતાના પુત્રવધૂ સાથે છકડિયા ગામે જઈ રહ્યા હતા જે દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ તરફ ગોધરા-અમદાવાદ હાઈવે ઉપર આવેલ ટુવા ટોલનાકા ઉપરથી પસાર થતાં ભારવાહક વાહનો ટોલટેક્ષની રકમ બચાવવા માટે અંતરિયાળ ગામડાઓમાંથી પસાર થાય છે. જેના કારણે આ પ્રકારના ગંભીર અકસ્માતો સર્જાતા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.