હિંમતનગર, તા.૧૬
વિશ્વહિન્દુ પરિષદના સર્વેસર્વા અને આંતરરાષ્ટ્રીય મહામંત્રી તરીકે વર્ષો સુધી એક હથ્થુ શાસન ચલાવનાર પ્રખર હિન્દુત્વને વરેલા પ્રવિણ તોગડિયાને ભાજપ સાથે પડેલા વૈચારિક મતભેદ બાદ તે મનભેદમાં પરિણમતા આખરે તેમને હિન્દુત્વને નામે અલગ ચોકો કરી દીધોછે અને હિન્દુહી આગે નામની સંસ્થા શરૂ કરી છે. જેના ભાગરૂપે બુધવારે તેમણે આ સંસ્થાના નેજા હેઠળ હિંમતનગરમાં યોજાયેલ યુવાશૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપી યુવાનોને સંબોધન કર્યું હતું.
હિંમતનગરની બેરણા પાસે આવેલ ગોમોર કોલેજમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી વિશ્વહિન્દુ પરિષદના નામે અમે એક જ પક્ષની વિરૂદ્ધમાં ગમે તેમ બોલી શકતા હતા. પરંતુ હિન્દુત્વને નામે ચાલતી આ સંસ્થામાં રાજકારણ ઘૂસી જતા મને વિશ્વહિન્દુ પરિષદમાંથી કાઢી મુકવાનો કારસો રચાયો હતો. જેમાં કેટલાક રાજકીય માધાંતાઓ સફળ થતાં હવે પ્રવિણ તોગડિયા એકલા પડી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે.
દરમ્યાન પ્રવિણ તોગડિયાએ વિશ્વહિન્દુ પરિષદનું સુકાન છોડી દીધું છે ત્યારે તેમણે હિન્દુહી આગે નામની સંસ્થા શરૂ કરી છે.
ગૌવંશ બાબતે આપ શું કરવા માંગો છો તેવા પ્રશ્નના જવાબમાં તેમણે રાજ્ય સરકાર પર કટાક્ષ કરીને જણાવ્યું હતું કે જો સરકાર ગાયોને બચાવવા માટે પ્રતિદિન ગાયને જરૂરી ૧ર કિલો ઘાસને બદલે ૪ કિલો ઘાસ આપવાની વાત કરતી હોય ત્યારે તેમને એ ખબર નથી કે ખરેખર પશુને જીવવા માટે કેટલુ ઘાસ જોઈએ.