કોંગ્રેસ અને જેડીએસના સંયુક્ત નેતાઓ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાને મળ્યા બાદ રાજ્યપાલ એ વાતે સંમત થયા છે કે, તેઓ તમામ કાયદાકીય બાબતો ચકાસીને નિર્ણય લેશે કે ભાજપ અથવા કોંગ્રેસ-જેડીએસને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવે. જો રાજ્યપાલ ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપે તો કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા યોજના ઘડી છે. ભાજપના બી.એસ. યેદિયુરપ્પાએ સવારે જ રાજ્યપાલ સાથે બેઠક કરી હતી. ભાજપ પાસે ૧૦૪ બેઠકો છે જેમાં તેને બહુમતી માટે આઠ બેઠકો ઓછી પડે છે. દરમિયાન જેડીએસના કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે, તેમના ધારાસભ્યોને ભાજપ દ્વારા ૧૦૦ કરોડ રૂપિયા અને મંત્રીપદની લાલચ આપવામાં આવી છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. સવારે ધારાસભ્યો ગુમ થવાની ભીતિ બાદ કોંગ્રેસ અને જેડીએસે રાજ્યપાલ સમક્ષ તમામ ધારાસભ્યોની પરેડ કરાવવાનો પ્રયાસ કર્યો હતો અને બધા સભ્યોને લક્ઝરી બસમાં બેસાડી કોંગ્રેસની ઓફિસે લઇ જવાયા હતા. પરંતુ રાજ્યપાલે તેમને મળવા ઇન્કાર કર્યો હતો. પાર્ટીએ સંકેત આપ્યા હતા કે, તેઓ રાજ્યપાલને પોતાના સભ્યોની ઓળખ કરાવવામાં કોઇ કસર બાકી નહીં રાખે.
૨. હવે કોને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવું તે ફક્ત રાજ્યપાલ નક્કી કરી શકે છે. યેદિયુરપ્પાએ સવારે રાજ્યપાલને મળ્યા બાદ દાવો કર્યો હતો કે, તેમણે આશ્વાસન આપ્યું છે કે, તમામ શક્યતાઓ જોઇને તેઓ નિર્ણય લેશે.
૩. જો ભાજપને રાજ્યપાલ દ્વારા આમંત્રણ આપવામાં આવે તો કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં જવાની ચેતવણી આપી છે. કોંગ્રેસ પાસે બીજી યોજના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ પરેડ કરાવવાની પણ છે. જેડીએસે આ પહેલાં ચીમકી આપી હતી કે, જો સરકાર બનાવવા માટે આમંત્રણ નહીં અપાય તો તેઓ રાજભવન સામે ધરણા કરશે.
૪. જેડીએસના નેતા કુમારસ્વામીએ ભાજપ સોદાબાજીનો આરોપ લગાવ્યો હતો. મારા પક્ષના લોકોને તેમણે ૧૦૦ કરોડ રૂપિયા અને મંત્રીપદનું વચન આપ્યું છે. તેમણે આરોપ મૂક્યો છે કે, તેમની પાર્ટીના ૩૨ સભ્યોનો સંપર્ક સધાયો છે.
૫. ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કુમારસ્વામીના આરોપો ફગાવતા કહ્યું છે કે, ભાજપ બહુમતી સિદ્ધ કરવા શા માટે આવું કરી શકે. સામાન્ય રીતે કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનથી કેટલાક ધારાસભ્યો નારાજ છે જેથી કુદરતી રીતે જ આવું બની શકે.
૬. સવારે અપક્ષ ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું હતું જેના કારણે ભાજપના સંખ્યાબળમાં વધારો થઇ ૧૦૫ પર પહોંચ્યો છે.
૭. કોંગ્રેસે સવારે કહ્યું હતું કે, તેમના એક ધારાસભ્ય આનંદસિંહ ગુમ થયા છે. તેઓ માઇનિંગ માધાતા રેડ્ડી બંધુઓના સંપર્કમાં હતા. બંને પક્ષોએ ત્યારબાદ પોતાના ધારાસભ્યોને રિસોર્ટમાં લઇ જવાનું નક્કી કર્યું હતું.
૮. ભાજપના શોભા કરાંડલજે સહિતના બે ધારાસભ્યોએ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન, ગૃહમંત્રી રાજનાથસિંહ અને રાજ્યના પોલીસ વડાઓને પત્ર લખી આરોપ લગાવ્યો હતો કે, સિદ્ધારમૈયા સરકાર તેમના મોબાઇલ ફોન ટેપ કરે છે.
૯. મતગણતરી દરમિયાન ભાજપ બહુમતીથી સહેજમાં દૂર રહ્યા બાદ કોંગ્રેસે અચાનક જેડીએસ સાથે ગઠબંધનની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા. તેણે બિનશરતી ટેકો આપવાની સાથે જેડીએસના કુમારસ્વામીને મુખ્યમંત્રી તરીકે પણ સ્વીકાર્યા છે.
૧૦. ભાજપને એવી આશા છે કે, તે સૌથી મોટો પક્ષ હોવાથી તેને સરકાર રચવા પહેલાં આમંત્રણ આપવામાં આવે. કોંગ્રેસે ગોવા અને મણિપુરના ઉદાહરણ આપી પોતાનો દાવો મંજૂર કરવા માંગ કરી છે. બંને રાજ્યોમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હોવા છતાં રાજ્યપાલે ભાજપના ટેકાવાળા પક્ષોને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું.