(એજન્સી) તા.૧૮
દ.ભારતીય રાજ્યોના મુખ્યપ્રધાનો અને વિપક્ષી નેતાઓ કર્ણાટકમાં જનતાદળ- એસ અને કોંગ્રેસના ધારાસભ્યોને સમર્થન આપી રહ્યા છે અને બીજી બાજુ મુખ્ય પ્રધાન પદે ભાજપના બીએસ યેદિ યુરપ્પાના શપથગ્રહણ થતા સરકારની રચના અંગે હજુ ગજગ્રાહ ચાલી રહ્યો છે. કોંગ્રેસ અને જનતાદળ-એસ સંયુક્ત રીતે સુપ્રીમકોર્ટમાં પહોંચ્યા છે.
ભાજપ પાસે માત્ર ૧૦૪ ધારાસભ્યો હોવાથી તેણે બહુમતીના જાદુઇ આંકડા ૧૧૨ સુધી પહોંચવા માટે બીજા ૮ ધારાસભ્યોનું સમર્થન રજૂ કરવું પડશે. સીએનએન ન્યૂ ૧૮ના અહેવાલ અનુસાર કેરળના ડાબેરી પક્ષોએ કોંગ્રેસના ધારાસભ્યોને સુરક્ષાની ખાતરી આપી છે જ્યારે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યપ્રધાનો અનુ. એન ચંદ્રાબાબુ નાયડુ અને કે ચંદ્રશેખર રાવે જનતાદળ-એસ ધારાસભ્યોને આશ્રય આપવાની ઓફર કરી છે. કોંગ્રેસ આ રીતે તેનો પડાવ કેરળમાં ખસેડશે જ્યારે જનતાદળ-એસ ટૂંક સમયમાં વિશાખાપટ્ટનમ કે હૈદરાબાદમાં ખસેડશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેલુગુદેશમ પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુએ તમામ તેલુગુભાષી મતદારોને ભાજપને હરાવવા અપીલ કરી હતી. તેમના નાયબ મુખ્યપ્રધાને પણ રાજ્યમાં તેલુગુ લોકોમાં પ્રચાર કર્યો હતો અને તેમને ભાજપ સિવાય કોઇપણને મત આપવા અપીલ કરી હતી. તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે પણ કર્ણાટકની ચૂંટણીમાં દેવગૌડાના જનતદાળ-એસ બસપાના ગઠબંધનને સમર્થન જાહેર કર્યુ હતું. ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર નાયડુ અને કેસીઆરએ જનતાદળ-એસને સમર્થન જાહેર કર્યુ છે.