(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૮
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લા તાલુકાઓમાં ગરમીનો કહેર ૪પ ડિગ્રીને પણ પાર થતા હાહાકાર સર્જાયો છે. પશુ-પક્ષીઓનો ખો બોલી રહ્યો છે. આજે સવારથી જ ગરમી વધતા લીંબડીમાં બે વ્યક્તિ અસહ્ય ગરમી લાગતા ઢળી પડી છે. જેઓને લીંબડી દવાખાને તાત્કાલિક અસરે ખસેડવામાં આવ્યા છે તો ધાંગધ્રામાં માસૂમ બાળકીનું લૂ લાગવાથી મોત થયું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં પણ ચાર વ્યક્તિઓને લૂ લાગવાની ઘટના બની છે જેઓને પણ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે. લીંબડી ઉટડી પુલ પાસે બોટાદ જવા માટે બસની રાહમાં ઊભેલા દયાળભાઈ ભલાભાઈ ચૌહાણ લૂ લાગતા ઢળી પડ્યા હતા. ત્યારે બાવળા ગામના અને લીંબડી સર્કલે ઊભેલા લતાબેન સુરેશભાઈ મહેતા બેભાન બન્યા છે. તો સુરેન્દ્રનગર શહેરમાં કાંતિલાલ સાયકલ લઈ જતા હતા તેમને લુ લાગતા પટકાયા હતા. હંસાબેન શાકબકાલા માટે નીકળતા લુ લાગતા પટકાયા છે. જ્યારે એક ભિક્ષુકને લુ લાગતા બેભાન બન્યો છે. જ્યારે એક વૃદ્ધ આંટો ફેરો મારવા બહાર આવતા-દયારામભાઈને લુ લાગતા બેભાન બન્યા છે. આમ જિલ્લામાં અત્યારે છ બેભાન બન્યા છે. રણમાં અગરિયાઓ પણ મુસીબતમાં મુકાયા છે. જે પાંચ દિવસથી ઝૂંપડી બહાર આવ્યા ન હોવાનું જાણવા મળે છે. ધ્રાંગધ્રા ખાતે આઠ વર્ષની જૈન બાળાને લુ લાગવાનો બનાવ બનતા સારવાર માટે દવાખાને ખસેડાઈ હતી પરંતુ સારવાર દરમ્યાન આ બાળાએ દમ તોડ્યો છે.
ધ્રાંગધ્રામાં બાળાના મોતથી ભારે સન્નાટો છવાયો છે. પરિવારના સભ્યો પણ શોકના માહોલમાં ગરકાવ થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ હિટવેવ જાહેર થયો છે. છેલ્લા પાંચ દિવસથી ગરમી અને એમાં વધતા જતા ગરમીના પારાના કારણે ઝાલાવાડના લોકો મુસીબતમાં મુકાયા છે.
આજે સવારના ધ્રાંગધ્રામાં રહેતા ધાર્મી કૃણાલભાઈ શેઠ (ઉ.વ.૮) નામની બાળાને એકાએક તડકામાં લૂ લાગવાની ઘટના બનવા પામેલ છે. તેણીને સારવાર માટે દવાખાને લઈ જવાયા બાદ બાળા બેભાન અવસ્થામાં મોતને ભેટેલ છે.
સુરેન્દ્રનગર જીલ્લામાં ગુજરાતનું સૌથી વધુ તાપમાન ૪૪.૩ ડિગ્રીને પાર થતાં રોડ રસ્તાઓ ખાલી જોવા મળ્યા હતા.
“હાલમાં હિટ વેવ” ની પરિસ્થિતિ છે. સુરેન્દ્રનગરમાં સૂર્યનો સૌથી વધુ પ્રર્કોપ જણાય છે.
સુરેન્દ્રનગરનાં રણમાં શહેર કરતા પણ વધુ ગરમી પડતા ખારાઘોડાના લોકો અને ત્યાંના રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
બીજી બાજુ સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ભોગાવો નદીમાં ગરમીના કારણે પક્ષીઓએ નદીનો સહારો લેવો પડ્યો હતો અને ગરમીના કારણે પક્ષીઓ નદીમાં માયુસ થઈને બેઠા હોય તેવું લાગી રહ્યું છે.