(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
તુર્કીની રાજધાની ઈસ્તંબુલમાં રાષ્ટ્રપતિ એર્દોગાનના દીકરા બિલાલ એર્દોગાને પવિત્ર કુર્આન પાક હિફઝ (કંઠસ્થ) કરનાર દરેક હાફિઝાને સોનાના સિક્કા આપીને સન્માનિત કર્યા અને તમામ હાફિઝા યુવતીઓને ઉમરાહ પર મોકલવાની ઘોષણા કરી છે. ઈસ્લામિક શિક્ષણ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપનાર તુર્કી દુનિયામાં પ્રથમ નંબરનો દેશ છે. તુર્કી સઉદી અરબ કરતા પણ વધુ ઈસ્લામ ધર્મની સેવાને અંજામ આપી રહ્યું છે. તુર્કીમાં શરીયતને પ્રોત્સાહન આપવા માટે યુનિવર્સિટી અને રિસર્ચ સેન્ટરો છે. પાછલા દિવસોમાં તુર્કી સરકારે પવિત્ર કુર્આન શરીફ હિફઝ (કંઠસ્થ) કરનારા બે હજાર હાફિઝોને સરકાર તરફથી ઉમરાહ કરાવયા જેથી પવિત્ર કુર્આન પાકને હિફઝ કરનારની સંખ્યામાં વધારો થાય અને એમનું સન્માન થાય. નોંધનીય છે કે પવિત્ર કુર્આન શરીફ અલ્લાહનું કલામ છે જે અલ્લાહ તઆલા તરફથી સમગ્ર દુનિયાના માર્ગદર્શનનું એક માત્ર સ્ત્રોત છે. અલ્લાહ તઆલાએ પવિત્ર કુર્આન શરીફની એક વિશિષ્ટતા આપી છે કે કુર્આન શરીફને કંઠસ્થ કરી શકાય છે હૃદયમાં વસાવી શકાય છે. પવિત્ર કુર્આન પાકને સાત વર્ષના કિશોરથી લઈને ૭૦ વર્ષના વડીલ પણ કંઠસ્થ કરી શકે છે.