(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
કર્ણાટકમાં ગુરૂવારે (૧૭ મેએ) યેદિયુરપ્પાએ સીએમપદના શપથ તો લીધા પરંતુ ભાજપના દક્ષિણ દ્વારમાં પ્રવેશનો આ કાર્યક્રમ ફિક્કો રહ્યો. ભાજપે દક્ષિણ રાજ્ય કર્ણાટકમાં બીજી વાર સરકાર બનાવી છે. ભાજપના સૌથી નામાંકિત ચહેરા પીએમ નરેન્દ્ર મોદી અને પ્રમુખ અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. ખરેખર, મોદી અને અમિતશાહ એક વ્યૂહરચના હેઠળ આ કાર્યક્રમમાં ગયા ન હતા. પક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ જો આ બંને પહોંચ્યા હોત તો એવો સંદેશો ગયો હોત કે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા પાસેથી સરકાર બનાવવા માટે આમંત્રણ મળ્યું, ત્યાર પછી તેમાં મોદી-શાહની ઉપસ્થિતિ બધું જ પૂર્વયોજિત હતું. અગાઉ, બુધવારે કર્ણાટક ભાજપના એક ટિ્વટને કારણે કિરકિરી થઇ હતી. રાજ્યપાલ તરફથી સરકાર બનાવવાનું આમંત્રણ મળે તે પહેલા જ કર્ણાટક ભાજપે ટિ્વટ કરી દીધું કે ગુરૂવારે યેદિયુરપ્પા સીએમપદના શપથ લેવાના છે. આ ટિ્વટથી એવો માહોલ બની ગયો હતો કે ભાજપને પહેલાથી જ ખબર હતી કે ગુજરાત સાથે સંબંધ ધરાવતા અને મોદીના વિશ્વાસપાત્ર રાજ્યપાલ વજુભાઇ વાળા કર્ણાટકમાં સર્જાયેલા રાજકીય સંકટમાં શું કરવાના છે. જોકે, આ ટિ્વટને કર્ણાટક ભાજપે ડિલીટ કરવું પડ્યું પરંતુ ત્યાં સુધી તો નુકસાન થઇ ગયું હતું. નોંધનીય છે કે, યેદિયુરપ્પા પહેલાથી કહી રહ્યા હતા કે તેઓ ૧૭મી મેના રોજ સીએમપદના શપથ ગ્રહણ કરશે. એક અહેવાલ મુજબ એનાથી સમગ્ર મામલો પૂર્વયોજિત હોવાના વિપક્ષના આરોપને વધુ બળ મળી રહ્યું હતું.