(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
કોંગ્રેસ અને રાજદે ગોવા, બિહાર અને મણિપુરના રાજ્યપાલો સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસે ગોવા અને મણિપુરના રાજ્યપાલો સાથે મુલાકાત કરીને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉદ્ભવ્યો હોવાથી રાજ્યપાલે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા માટે ભાજપના નેતા યેદિયુરપ્પાને આમંત્રણ આપ્યું હોવાનું ઉદાહરણ ટાંકીને ગોવા અને મણિપુરમાં પણ કોંગ્રેસને સરકાર બનાવવા દેવાની માગણી કરી છે. જ્યારે બિહારમાં રાજદે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. ગોવામાં કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા ચંદ્રકાંત કાવલેકર ગાવેએ ગોવાના રાજ્યપાલને ગૃહમાં બહુમતી પુરવાર કરવા માટે કોંગ્રેસને આમંત્રણ આપવાની માગણી કરતો એક પત્ર સુપરત કર્યો છે. કોંગ્રેસના ૧૬ ધારાસભ્યોએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. જ્યારે મણિપુરમાં પણ કોંગ્રેસના પ્રતિનિધિમંડળે કાર્યકારી રાજ્યપાલ જગદીશ મુખી સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે. મણિપુરમાં પણ કોંગ્રેસ પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉદ્ભવ્યો હતો. દરમિયાન, રાજદના નેતા તેજસ્વી યાદવ પટણા સ્થિત રાજભવનમાં પોતાના ધારાસભ્યો સાથે પહોંચી ગયા છે. તેઓ રાજદ સરકાર બનાવવાની માગણી કરવા ગયા છે. તેમનો એવો દાવો છે કે બિહારમાં રાજદ ૮૦ ધારાસભ્યો સાથે સૌથી મોટો પક્ષ છે. કર્ણાટકના રાજકીય નાટક અંગે શુક્રવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઇ છે. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાનો નિર્ણય બદલી નાખીને સુપ્રીમકોર્ટે શનિવારે (૧૯મી મેએ) સાંજે ચાર વાગે વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાનો આદેશ આપ્યો છે. ગૃહમાં બહુમતી પુરવાર કરવામાં સફળ થનારા પક્ષની જ સરકાર બનશે. દરમિયાન, કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે એવો દાવો કર્યો છે કે રાજ્યપાલ બંધારણનું સાંભળવાને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહનું સાંભળી રહ્યા છે. રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું ત્યારે જ લોકશાહીની હત્યા થઇ ગઇ હતી. યેદિયુરપ્પાએ બહુમતી પુરવાર કરવા માટે ૭ દિવસ માગ્યા હતા પરંતુ રાજ્યપાલે તેમને ૧૫ દિવસ આપ્યા હતા, આ બાબત દર્શાવે છે કે તેઓ ભાજપ સાથે મળેલા છે. દરમિયાન, કર્ણાટક પછી હવે બિહાર અને ગોવામાં પણ રાજકીય તોફાન શરૂ થઇ ગયું છે. સુનાવણી દરમિયાન ભાજપ તરફથી મુકુલ રોહતગી વકીલ હતા જ્યારે કોંગ્રેસ તરફથી અભિષેક મનુ સિંઘવીએ રજૂઆત કરી હતી. સુનાવણી પછી યેદિયુરપ્પાએ જણાવ્યું કે હું સુપ્રીમકોર્ટના આદેશનું પાલન કરીશ અને વિધાનસભામાં બહુમતી પુરવાર કરી બતાવીશ. જ્યારે, રોહતગી શનિવારે બહુમતી પુરવાર કરવાની તરફેણમાં ન હતા. તેઓ એવું ઇચ્છતા હતા કે તાકાતનું પ્રદર્શન સોમવારે થાય. જ્યારે સિંઘવી શનિવારે શક્તિ પરીક્ષણ કરાવવા માટે તૈયાર હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ તૈયાર છે પરંતુ યેદિયુરપ્પા પાસે તો ૧૧૨ ધારાસભ્યો નથી. તેઓ કેવી રીતે દાવો કરી રહ્યા છે ? રોહતગીએ અગાઉ કોર્ટને યેદિયુરપ્પાનો પત્ર સુપરત કર્યો હતો. આ પત્ર તેમણે રાજ્યપાલ વજુભાઇ વાળાને આપ્યો હતો. નોંધનીય છે કે સુનાવણી કોંગ્રેસ-જેડીએસની અરજી પર થઇ છે. અરજીમાં બંને પક્ષોએ વજુભાઇ વાળાના નિર્ણયને પડકાર્યો છે. બંને પક્ષોએ કહ્યું હતું કે રાજ્યપાલે ૧૦૪ સીટ હોવા છતાં ભાજપને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું, જ્યારે સરકાર બનાવવા માટે ૧૧૨ સીટ જોઇએ. નોંધનીય છે કે કર્ણાટકમાં ભાજપની સરકાર બની ગઇ છે.