અમદાવાદ, તા.૧૭
કર્ણાટકમાં ભાજપે જે રીતે સત્તાના સુકાન સંભાળ્યા છે તેને લઈને કર્ણાટકના રાજ્યપાલ અને ભાજપ પર કોંગ્રેસ સવાલ ઉઠાવી રહી છે અને આ મુદ્દાને લઈને કોંગ્રેસ પ્રજા વચ્ચે જઈ રહી છે ત્યારે શુક્રવારે કર્ણાટકના મુદ્દે કોંગ્રેસે ગુજરાત સહિત દેશભરમાં ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ કર્ણાટકની ચૂંટણી બાદ રાજ્યપાલે જે રીતે ભાજપને સરકાર રચવા આમંત્રિત કરી તેને કોંગ્રેસ લોકશાહીની હત્યા ગણાવી રહી છે અને તેથી કોંગ્રેસે શુક્રવારે લોકશાહી બચાવો દિવસની ઉજવણી કરી હતી. કર્ણાટકની રાજકીય સ્થિતિની વચ્ચે આજે કોંગ્રેસે દેશભરમાં દેખાવ કાર્યક્રમ યોજ્યો હતો ત્યારે ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ નેતાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. કોંગ્રેસ લોકતંત્ર બચાવ દિવસ મનાવી રહી છે. જે અંતર્ગત રાજ્યમાં પણ કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં સરદાર બાગ ખાતે કોંગ્રેસ નેતાઓ એકત્ર થયા હતા અને બંધારણ બચાવ દિવસની ઉજવણી કરી હતી. અમદાવાદના સરદાર બાગ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ધરણામાં જોડાયા હતા. અહીં રાજ્યપાલ અને ભાજપ અધ્યક્ષના પૂતળાનુંં દહન કરવામાં આવ્યું. સાથે જ કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસી ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ પણ દેખાવો કર્યા. જો કે, અહીં કોંગ્રેસના કાર્યકરો કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાના પૂતળાનું દહન કરે તે પહેલાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. વીસથી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અને કાર્યકરોને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા તો આ તરફ અરવલ્લી જિલ્લા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોડાસામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોડાસામાં વજુભાઈ વાળાના પૂતળાનું દહન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે સમયે પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. જામનગર કોંગ્રેસ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કર્ણાટકના રાજ્યપાલના પૂતળાનું દહન કરી કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો. જામનગર પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી તો કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવાસે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ બંદોબસ્ત હોવા છતાં કોંગી કાર્યકરોએ વિરોધ કરતાં ઘર્ષણ થયું હતું. પાલનપુરમાં પણ ધરણા યોજવામાં આવ્યા હતા. કોંંગી કાર્યકર્તાઓએ નારા લગાવીને પોતાનો વિરોધ રજૂ કર્યો હતો. આ તરફ વડોદરાના સાવલીમાં પણ કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવો કરવામાં આવ્યા. અહીં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ખોદકામનું નિરીક્ષણ કરવા આવતા ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના આગમન સમયે તેમણે કાળા વાવટા ફરકાવ્યા હતા. જેથી પોલીસે કોંગ્રેસના ૧૫થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.