(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૮
અમદાવાદની વી.એસ. હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓના સગા સંબંધીઓ સહેરી કે ઈફતાર સહેલાઈ કરી શકે તે માટે વ્યવસ્થા કરવા વી.એસ. હોસ્પિટલનો પાછળનો દરવાજો થોડા કલાક માટે ખોલવા મુસ્લિમ ધારાસભ્યો, મ્યુ. કાઉન્સિલરો અને અગ્રણીઓએ મ્યુ. અને હોસ્પિટલ તંત્રના જવાબદારોને વિનંતી કરવા છતાં હોસ્પિટલના સુપ્રિ.ના જક્કી, કોમવાદી અને અમાનવીય વલણને લીધે આ વિવાદનો હજી ઉકેલ આવી શક્યો નથી.
વી.એસ.હોસ્પિટલની પાછળના ભાગે મસ્જિદે કુબા આવેલી છે ત્યાંના સંચાલકો દર વર્ષે મુસાફરો અને હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા સંબંધીઓ માટે સહેરી અને ઈફતારીની વ્યવસ્થા કરતા હોય છે. જે માટે હોસ્પિટલની પાછળ આવેલા દરવાજાનો ઉપયોગ કરતા આવ્યા છે પરંતુ ચાલુ વર્ષથી આ દરવાજો બંધ કરી દેવાતા દર્દીઓના સગાને લાંબા ચક્કર કાપી પાછળના ભાગેથી આવવું જવું પડે છે. ગત રોજથી પવિત્ર રમઝાન માસની શરૂઆત થતાં દર્દીઓના સગાને તકલીફ ન પડે તે માટે મસ્જિદે કુબાના સંચાલકોએ આગેવાનોને રજૂઆત કરી હતી.
આ રજૂઆતને ધ્યાને રાખી ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા, મ્યુ.કાઉન્સિલર બદરૂદ્દીન શેખ, તોફિક ખાન પઠાણ, ઈકબાલ શેખ, હાજી અસરાર બેગ મિરઝા, ઝરીનાબેન શેખ, અઝરા કાદરી, કમલાબેન ચાવડા, સુહાના મનસુરી વગેરે તથા મુસ્લિમ આગેવાનોએ મેયર ગૌતમ શાહ તથા વી.એસ. હોસ્પિટલના સુપ્રિ. ડોે.મલ્હાનને મળી હોસ્પિટલનો પાછળનો રસ્તો સહેરી અને ઈફતારીના સમયે ખોલી આપવા રજૂઆત કરી હતી. એક તબક્કે મેયરે હકારાત્મક વલણ દાખવી રસ્તો ખોલવા તૈયારી દર્શાવી હતી. પરંતુ હોસ્પિટલના સુપ્રિ. ડો.મલ્હાને જિદ્દી વલણ દાખવી ખોટા બહાનાઓ ઊભા કરી દરવાજો ખોલવા તૈયારી દર્શાવી ન હતી. આથી ડોક્ટર જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિના આવા અમાનવીય અને કોમવાદી વલણની ઉપસ્થિતઓએ ભારોભાર ટીકા કરી હતી.
4.5
3.5