સુરત, તા. રર
શહેરના ડિંડોલીના ઇકલેરા ગામ નજીક ચાર દિવસ અગાઉ શેરડીના ખેતરમાંથી બે કોહવાયેલી લાશ મળી આવી હતી જેમાંથી એક લાશ મહિલાની હતી જ્યારે બીજી લાશ બાળકની હોવાનું જાણવા મળે છે. મોડી સાંજે સ્મીમેર હોસ્પિટલમાંથી બંને લાશોની પી.એમ. નોટ પોલીસને મળ્યા બાદ રિપોર્ટ ઉપરથી આગળની તપાસ હાથ ધરાનાર હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત શનિવારે ઈકલેરા-સણિયા ગામ જવાના રોડ પર શેરડીના ખેતરમાંથી દુર્ગંધ આવતા ખેડૂતો અંદર જઈને જોતા કોહવાયેલી લાશનું પોટલું મળી આવ્યું હતું. બનાવ અંગે ડીંડોલી પોલીસને જાણ કરતા ઘટના સ્થળે લાશોનો કપડાના આધારે એક લાશ ૨૫ વર્ષિય મહિલાની છે જ્યારે બીજી લાશ ૬ વર્ષના બાળકની હોવાનો અંદાજા છે. બંને કોહવાયેલી લાશોનું સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. ફોરેન્સિક તબીબો અને પેનલ ટીમ દ્વારા પીએમ કરવામાં આવ્યું છે. મહિલાની સાથે બાળકની લાશ છે કે બાળકીની લાશ છે તેનો ઉલ્લેખ પી.એમ. નોટમાં થશે. બન્ને કોહવાયેલી લાશોની હજી સુધી ઓળખ થઈ શકી નથી. ડીંડોલી પોલીસ બંનેના પી.એમ. રિપોર્ટની રાહ જાઈ રહી છે. ત્યારબાદ આ કેસની તપાસ આગળ વધશે.