(એજન્સી) મુંબઈ, તા.ર૩
મુંબઈમાં હોમિયોપેથીની એક વિદ્યાર્થિનીને લેખિત પરીક્ષામાં બેસવાનો ઈન્કાર કરાતા વિદ્યાર્થિનીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. વિદ્યાર્થિનીએ આક્ષેપ મૂકયો છે કે એને વર્ગમાં હિજાબ પહેરી આવતા રોકવામાં આવી હતી. જેના લીધે એની હાજરી ઓછી થઈ ગઈ અને હવે પરીક્ષામાં બેસવા ઈન્કાર કરાય છે. બાન્દ્રામાં રહેનાર યુવતી બાદામી ફાકિહાએ દાવો કર્યો કે એની હાજરી ઓછી છે કારણ કે એને હિજાર પહેરી વર્ગમાં હાજર રહેવાથી અટકાવવામાં આવી હતી. યુવતી ભિવંડીની સાંઈ હોમિયોપેથી મેડિકલ કોલેજની વિદ્યાર્થિની છે. અરજદારે દાવો કર્યો છે કે કોલેજે બધી મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા માટે મનાઈ ફરમાવી છે. અરજી મુજબ ફાકિહાએ કોલેજના બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસીન એન્ડ સર્જરી અભ્યાસક્રમમાં ર૦૧૬માં પ્રવેશ મેળવ્યો હતો. આ કોલેજ મહારાષ્ટ્ર યુનિ. ઓફ હેલ્થ સર્વિસીઝથી સંબંધિત છે. અરજી મુજબ અરજદારે એમયુએચએસ અને આયુષ મંત્રાલયને પત્ર લખ્યો જેમાં માગણી કરી હતી કે આ મુદ્દાને ઉકેલવામાં આવે. મંત્રાલયે કહ્યું કે કોલેજ વિદ્યાર્થિનીને હિજાબ નહીં પહેરવા બળજબરી નહીં કરી શકે પણ કોલેજે વાત માની નહીં. વિદ્યાર્થિનીએ સૌપ્રથમ નવેમ્બર ર૦૧૭માં હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી તે વખતે પણ એને પરીક્ષામાં બેસવા નહીં દેવાઈ હતી. કોલેજે તે વખતે હાઈકોર્ટને કહ્યું કે ર૦૧૮ના માર્ચ મહિનામાં યોજાનાર પરીક્ષામાં એને બેસવા દેવામાં આવશે. બાદામીએ અરજીમાં જણાવ્યું છે કે, તેમ છતાંય આ વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલ પરીક્ષામાં એને બેસવા નહીં દેવાય અને ઓછી હાજરીનો કારણ બતાવાયો. અરજીમાં જણાવ્યું છે કે, મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરવાનું બંધ કર્યું છે અથવા કોલેજ છોડી દીધી છે. મેં હિજાબ પહેરવું ચાલુ રાખ્યું જેથી મને હેરાન કરવામાં આવી છે.