(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૬
ખેડૂતોની નિષ્ફળ ફસલ વીમા યોજના ઘટી ગયેલા કૃષિ વિકાસ દર, રોજગારી, રાષ્ટ્રીય સુરક્ષા, નીચો જીડીપી, પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો, બેંક કૌભાંડો, દલિતો ઉપર અત્યાચાર સહિતનાં મુદ્દાઓને આગળ ધરી આજે શહેર કોંગ્રેસે ભાજપની સરેઆમ નિષ્ફળતા સામે મોરચો ખોલી વિશ્વાસઘાત દિવસ મનાવ્યો હતો.
ન્યાયમંદિર ખાતે એકત્રિત થયેલા કોંગ્રેસનાં સેંકડો કાર્યકરોએ આકાશમાં કાળા ફૂગ્ગા છોડી ભાજપ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસનાં પ્રદેશ પ્રવકતા જયરાજસિંહ પરમારે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, યુવકોને રોજગારીનાં નામે,મહિલાઓને સુરક્ષા માટે, ખેડૂતોને ટેકાનાં ભાવ માટે વિશ્વાસઘાત કર્યો છે. નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં આપેલા વચનો પૈકી એક પણ વચન પાળ્યું નથી. આજે ભાજપ કેન્દ્ર સરકારનાં ચાર વર્ષ પૂરા થાય છે. છતાં આપેલા વાયદા પાળ્યા નથી.
યુપીએ સરકાર વખતે કૃષિ વિકાસ દર ૪.૨ હતો. તે અત્યારે ૧.૬ થઇ ગયો છે. ભાજપે શિક્ષણની ઘોર ખોદી નાંખી છે. વિદેશ નીતિની નિષ્ફળતાને કારણે પડોશી દેશો સાથે સંબંધો વણસ્યા છે. યુપીએ સરકારે રજૂ કરેલું નુર્મ યોજનાનું નામ બદલી સ્માર્ટ સીટી આપી દીધું છે.નરેન્દ્ર મોદીએ દર વર્ષે બે કરોડ યુવકોને નોકરી આપવાનો વાયદો કર્યો હતો તે પાળ્યાં નથી. પરિણામે બેકારી વધી છે.
રાષ્ટ્રીય સુરક્ષા ભયમાં છે. આતંકવાદી હુમલા વધ્યા છે. જમ્મુ-કાશ્મીર ૩૭૧ જવાનો શહીદ થયા છે. ચીન ભારતને સરહદે ડરાવી રહ્યું છે. જીડીપી છેલ્લાં ચાર વર્ષથી પણ નીચો ગયો છે. નિકાસ ઘટી છે. ઉત્પાદન ઘટતું જાય છે. ડોલર સામે રૂપિયો નબળો પડયો છે. છેલ્લાં ચાર વર્ષમાં ૧૧ વખત એકસાઇઝ ડયુટી વધારી મોદી સરકારે સામાન્ય પ્રજા પાસેથી ૧૦ લાખ કરોડ ખંખેરી લીધા છે. પેટ્રોલ-ડિઝલનાં ભાવ આસમાને પહોંચ્યા છે. બેંકોમાં ૮ લાખ કરોડથી વધુ એનપીએ વધતાં બેંકોની સ્થિતિ કફોડી બની છે. તેમ જણાવી જયરાજસિંહ પરમારે ઉર્મેયું હતું કે, દેશમાં આદિવાસીઓ, દલિતો અને મહિલાઓ ઉપર અત્યાચારો વધી ગયા હોવા છતાં સરકાર કોઇ પગલા ભરતી નથી. દેશની જનતા ભાજપના શાસનથી ત્રાસી ઉઠી છે.