(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧
રાષ્ટ્રીયકૃત આંધ્ર બેંકમાંથી રૂા.૫૩૮૭ કરોડનાં લોન કૌભાંડમાં શહેરનાં જાણીતા સાંડેસરા ગૃપની આજે ઇડી દ્વારા રૂા.૪૭૦૦ કરોડની મિલ્કતો જપ્ત કરતાં ઔદ્યોગીક ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરનાં જાણીતા સાંડેસરા ગ્રૃપે પોતાનાં ઔદ્યોગીક એકમોનાં વિકાસ માટે વિવિધ બેંકોમાંથી કરોડો રૂપિયાની લોનો લીધી હતી. જેમાં આંધ્ર બેંકમાંથી રૂા.૫૩૮૭ કરોડની લોન લીધી હતી. જે લોનની ભરપાઇ ન કરતાં બેંકે કાર્યવાહી કરી હતી. કરોડોની લોન કૌભાંડની ફરિયાદ સીબીઆઇમાં નોંધાયા બાદ સીબીઆઇએ પણ તપાસનો દોર શરૂ કર્યો હતો. અને સાંડેસરા બંધુઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી બાજુ સાંડેસરા બંધુઓને ઘુટણીએ પાડવા માટે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઇડીએ) પણ કાર્યવાહી શરૂ કરી હતી. ઇડીએ વડોદરાથી ૧૨ કિલોમીટર દુર સિંધરોટ પાસે આવેલા સાંડેસરા ગૃપનાં વૈભવી ફાર્મ હાઉસ સહિત અન્ય જમીનો અને મિલ્કતો મળી કુલ રૂા.૪૭૦૦ કરોડની મિલ્કતો ટાંચમાં લીધી હતી. ઇડીએ સાંડેસરા ગ્રુપની રૂા.૪૭૦૦ કરોડની મિલ્કત હોવાની વાત શહેરનાં ઔદ્યોગીક પતિઓ પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. ઇડી દ્વારા અન્ય મિલ્કતો પણ ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કરોડો રૂપિયાનાં લોન કૌભાંડનાં ડાયમંડ પાવર ઇન્ડસ્ટ્રીઝનાં સંચાલકો અમિત ભટનાગર બંધુઓ હાલ જેલમાં છે. શહેરનાં વધુ એક ઉદ્યોગપતિ સાંડેસરા બંધુઓને જેલમાં ધકેલવાનો ગાળિયો ફીટ કરતાં ઉદ્યોગ જગતમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ભટનાગર બંધુઓ બાદ સાંડેસરા ગ્રુપનાં બંધુઓને પણ જેલમાં જવાનો વારો આવે તેમ છે. હાલમાં સાંડેસરા બંધુઓ ભાગતા ફરી રહ્યાં છે.