(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ગયા પછી ભાજપ સરકારની પકડ અધિકારીઓ પરથી ઢીલી પડી રહી હોવાની વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. અગાઉ શિસ્તબદ્ધ રીતે સરકારની સાથે રહેતા ઉચ્ચ અધિકારીઓ હવે ધીમે-ધીમે બિન્દાસ્ત થઈ રહ્યા હોવાની ફરિયાદોને સમર્થન આપતો પરિપત્ર સરકાર તરફથી જારી કરતા, નરેન્દ્ર મોદી જેવી અધિકારીઓ પર પકડ આ સરકારની રહી નથી તે વાતને બળ મળી રહ્યું છે. સરકારમાં વિવિધ સ્તરની બેઠકોમાં ઉચ્ચ અધિકારીઓની ગેરહાજર તથા લેટ-લતીફીની ફરિયાદોને પગલે ખાસ પરિપત્ર બહાર પાડી અધિકારીઓ પર અંકુશ મેળવવા પ્રયાસ કરાયો છે.
રાજ્ય સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ બેઠકમાં મોડા આવતા હોવાનું લઈ ચીફ સેક્રેટરી નારાજ થયા હોવાની વિગતો સાથે જ સામાન્ય વહીવટી વિભાગે લેટલતીફી કરતા અધિકારીઓ માટે રાજ્યપાલના હુકમથી ખાસ પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્રમાં ઉચ્ચકક્ષાની મહત્ત્વપૂર્ણ બેઠકોમાં અધિકારીઓ મોડા આવે. બેઠક પૂર્ણ થાય તે પહેલાં જતા રહે. પરવાનગી વગર ગેરહાજર રહે. તે યોગ્ય ન હોવાનું કહ્યું છે તેમજ બેઠક શરૂ થાય તે પહેલા સંબંધિત અધિકારીઓએ અચૂક હાજર રહેવાનું ફરમાન પણ કરવામાં આવ્યું છે. મુખ્ય સચિવ દ્વારા તમામ અધિક મુખ્ય સચિવો, અગ્ર સચિવ અને સચિવાલયના સચિવોને પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. સરકારમાં અધિકારીઓની વિવિધ બેઠકોમાં ગેરહાજરી તથા મોડા આવવાની આદત અંગે ફરિયાદો ઉઠતા આ કદમ ઉઠાવવુંં પડ્યું હોવાની ચર્ચા સચિવાલયમાં વહેતી થઈ છે.