(એજન્સી) નવી દિલ્હી, તા.૪
ભાજપ અધ્યક્ષ અમિત શાહ ‘સમર્થન સંપર્ક’ નવી ઝુંબેશના ભાગરૂપ યોગગુરૂ રામદેવને મળ્યા હતા અને ર૦૧૯ની લોબકસભા ચૂંટણી માટે સહયોગની માગણી કરી હતી. અમિત શાહે જણાવ્યું હતું કે, તેઓ લોકસભા ચૂંટણી ર૦૧૯ માટે બાબા રામદેવનું સમર્થન માંગવા તેમને મળવા આવ્યા હતા. બાબા રામદેવે એમને શાંતિપૂર્વક સાંભળ્યા હતા. અમિત શાહે તેમના કામ કાર્યો અંગેનું સાહિત્ય બાબા રામદેવને આપ્યું હતું. શાહે જણાવ્યું કે, જો બાબા રામદેવ સહયોગ આપશે તો તેમના કરોડો અનુયાયીઓનું સમર્થન ભાજપને સહાયક થશે. બીજેપી અધ્યક્ષે કહ્યું કે, ‘સમર્થન સંપર્ક’ અથવા સહયોગ સંપર્ક માટે તેમણે અન્ય નેતાઓને પ૦ એવા મહાનુભાવો સાથે મળવાનું આયોજન કર્યું છે. જેમણે અગાઉ પણ ભાજપને બળ પૂરું પાડયું હતું અને તેમને રિપોર્ટ કાર્ડ આપવા જણાવ્યું હતું. વર્ષ ર૦૧૪ની ચૂંટણી સમયે જે લોકો ભાજપની સાથે હતા તેમના આશીર્વાદની શાહે માગણી કરી હતી. અમિત શાહે પૂર્વ આર્મી વડા જનરલ દલબીર સુહાગ, બંધારણ નિષ્ણાંત સુભાષ કશ્યપ અને મહાન ક્રિકેટર કપિલ દેવ સાથે પણ મુલાકાત કરી હતી.