(એજન્સી) નવી દિલ્હી, તા.૪
કોંગ્રેસે નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢતા કહ્યું કે મોદી દેશમાં મુસ્લિમો દ્વારા પહેરાતી ગોળ ટોપી પહેરવા ઈન્કાર કરે છે. દેશની મસ્જિદોમાં જતા નથી પણ વિદેશમાં ખુશી ખુશી મસ્જિદોમાં જાય છે. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ આ મુદ્દે મોદી ઉપર હુમલો કરી ટ્વીટ કરી હતી. સિંઘવીએ એ સાથે કમલનાથની પત્રકાર સાથે થયેલ વાતચીતના અંશો પણ મૂકયા હતા. જેમાં કમલનાથે કહ્યું હતું કે, મોદીએ દેશને મૂર્ખ બનાવ્યો છે. એ ટોપી પહેરે કે ન પહેરે એનાથી કોઈ ફરક પડતો નથી. એક બીજા ટ્વીટમાં સિંઘવીએ મોદીની સિંગાપોરની મુલાકાતનો ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં મોદી મસ્જિદની મુલાકાતે ગયેલ છે. મોદીએ લીલા રંગની શાલ ઓઢી હતી. કમલનાથ અને પત્રકાર વચ્ચેની વાતચીત આ મુજબ હતી. પત્રકારે કહ્યું, મોદીને દેશમાં ટોપી પહેરવામાં અને મસ્જિદમાં જવામાં મુશ્કેલી છે પણ જ્યારે એ વિદેશમાં જાય છે ત્યારે ટોપી પણ પહેરે છે, મસ્જિદમાં પણ જાય છે અને ચાદર પણ ચઢાવે છે. કમલનાથે જવાબ આપ્યો જે વ્યક્તિએ સમગ્ર દેશને ટોપી પહેરાવી છે. એ પોતે ટોપી પહેરે અથવા ન પહેરે એનો કોઈ અર્થ નથી. ર૦૧૯ની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ મોદીની ટીકા કરવામાં જરાય કસર છોડતી નથી. એમણે મોદી સામે વિદેશોની મુલાકાત, તેલની વધતી કિંમતો સામે પ્રશ્નો કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, આગામી ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પરાજયના ભયને કારણે વડાપ્રધાન મોદીએ અચાનક મુસ્લિમ દેશોની મુલાકાત લેવાનું નક્કી કરી ભારતીય મુસ્લિમોનું તૃષ્ટિકરણ કરવા અંગેની યોજના બનાવી હતી. જે અંતર્ગત તેઓ ત્રણ મુસ્લિમ દેશોની યાત્રાએ નીકળી પડયા હતા. સામાન્ય રીતે વડાપ્રધાન ભારતમાં કોઈપણ મસ્જિદની મુલાકાત લેતા નથી અને એક પ્રસંગે તેઓએ એક મૌલવીના ટોપી પહેરવાના આગ્રહને પણ ફગાવી દીધો હતો. બીજી તરફ સિંગાપુરમાં મોદી સૌથી મોટી મસ્જિદની મુલાકાત દરમિયાન ટોપી પણ પહેરી હતી અને ચાદર ઓઢી મસ્જિદની મુલાકાત લીધી હતી. મોદીને આ વલણને કારણે વિપક્ષ અને ભારતના મુસ્લિમોમાં ખાસી નારાજગી પ્રવર્તી રહી છે.