જામનગર, તા. ૯
જામનગરના એક વકીલ તથા તેમના ભાઈ પર ગઈકાલે બપોરે ગોકુલનગર જકાત નાકા પાસે સાત શખ્સોએ સશસ્ત્ર હુમલો કરી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરતા અફડાતફડી મચી ગઈ છે. વકીલે ખરીદેલી દુકાનની બાબતે સર્જાયેલા ડખ્ખામાં પોલીસે હત્યા પ્રયાસ, રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા યજુર્વેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ શક્તિસિંહ જાડેજા ગઈકાલે બપોરે સાડા બારેક વાગ્યે ગોકુલનગર જકાત નાકા પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં ધસી આવેલા જગદીશગીરી બાવાજી, હાજી, આદમ હોથી, હબીબ, હયાત અયુબ, હેજાન અયુબ, શિવરાજસિંહ ઉર્ફે શિવો જાડેજા નામના સાત શખ્સોએ ધારિયા, કુહાડી, પાઈપ, ધોકા વડે હુમલો કર્યો હતો.
આ શખ્સો પૈકીના મસીતિયાના આદમ હોથીએ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી હવામાં બે ફાયર પણ કર્યા હતા. અચાનક બનેલા આ બનાવથી તે વિસ્તારમાં નાસભાગ મચી હતી. હુમલો કરી આરોપીઓ નાસી ગયા હતા. સ્થળ પર હાજર લોકોએ ઈજાગ્રસ્ત યજુર્વેન્દ્રસિંહ તથા શક્તિસિંહને જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવની જાણ થતા સિટી-સીનો પોલીસ કાફલો બનાવના સ્થળે દોડયો હતો.
ત્યાર પછી યજુર્વેન્દ્રસિંહએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, તેઓએ ખીમગર કુંવરગર ગોસ્વામી પાસેથી એક દુકાન ખરીદી હતી તે બાબત જગદીશગીરીને નહીં ગમતા તેઓએ મસીતિયાના ત્રણ શખ્સોને સાથે રાખી કુલ સાત શખ્સોએ આ હુમલો કર્યો હતો.