ગોધરા, તા.૧૧
ગોધરા નગરપાલિકામાં બીજા અઢી વર્ષની ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી તા.૧પમી જૂને રખાતા મુસ્લિમ સભ્યોમાં આક્રોશની લાગણી ફેલાઈ જવા પામી છે.
ગોધરા પાલિકાના પ્રમુખ ઉપ-પ્રમુખની ચૂંટણી આગામી તા.૧પમી જૂન શુક્રવાર સવારે ૧૧ કલાકે સરદારનગર ખંડ ખાતે રાખવામાં આવી છે. જે અંગે કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલની કચેરી દ્વારા રાખવામાં આવી છે. જે અંગે રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર અગ્રસચિવ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર નિયામક નગરપાલિકા ગાંધીનગર, મામલતદાર ગોધરા, પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરા, નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી ગોધરા મુખ્ય અધિકારી નગરપાલિકા તથા પાલિકા સભ્યોને પણ કરવામાં આવી છે. આ અંગેની જાણ પાલિકાના મુસ્લિમ સભ્યોને થતા નારાજગીની લાગણી ફેલાઈ જવા પામી છે. કેમકે ૧પમી જૂને શુક્રવાર છે જો ગુરૂવારે કદાચ ચાંદ દેખાય તો શુક્રવારે ઈદ થાય જેથી મુસ્લિમ સભ્યો આવી ન શકે. આથી સભ્યોની લાગણી અને માગણી છે કે ચૂંટણી તારીખમાં ફેરફાર કરવામાં આવે જેથી સભ્યો સામાન્ય સભામાં હાજર રહી શકે અને પોતાનો મત આપી શકે. આમ ગોધરા નગરપાલિકાની આગામી ૧પમી જૂને યોજાનાર પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની તારીખમાં ફેરફાર કરવાની માંગ ઉઠવા પામી છે.