(એજન્સી) તા.૧૩
ઇઝરાયેલી સુરક્ષાદળના સૈનિકોએ ઉત્તર વેસ્ટ બેન્કના જેનિનમાં શરણાર્થી કેમ્પ ખાતે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમની સ્થાનિક રહેવાસીઓ સાથે ભારે અથડામણ સર્જાઇ હતી. જોકે ઇઝરાયેલી સૈનિકો સાથેની આ અથડામણમાં બે પેલેસ્ટીની નાગરિકોનો ભોગ લેવાઈ ગયો હતો. પેલેસ્ટાઇનના ઇન્ફર્મેશન સેન્ટરના અહેવાલ અનુસાર બુધવારે વહેલી સવારે અન્ય ત્રણ પેલેસ્ટીની યુવકો ઘવાયાના સમાચાર મળ્યા હતા. જોકે મોડી રાત્રિએ અહીં જ ઇઝરાયેલી સૈનિકોએ દરોડા પાડ્યા હતા અને તેમને અટકાવવાનો પ્રયાસ કરનારા પેલેસ્ટીનીઓ સાથે ઇઝરાયેલી સૈનિકોની માથાકૂટ થઇ હતી. જોકે વધુ માહિતી મુજબ પીડિત મૃતકની ઓળખ ૧૬ વર્ષીય અવેસ સલામહ અને ર૦ વર્ષીય સાદ સાલાહ અબુ અસીર તરીકે થઇ હતી. તેમના મૃતદેહોને હોસ્પિટલે ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. બુધવારે જ ઇઝરાયેલી સૈનિકોએ પૂર્વ જેરુસલેમના અલ કુદ્સ ખાતે આવેલા શૌફાત શરણાર્થી કેમ્પ ખાતે પર દરોડા પાડ્યા હતા. જોકે આ નવા દરોડા પેલેસ્ટીનીઓ દ્વારા તુકા શહેર ખાતે મુહમ્મદ ઇબ્રાહીમ જીબરિલને શ્રદ્ધાંજલિ આપવાના થોડા કલાકો બાદ જ પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટાભાગના પેલેસ્ટીનીઓએ હાજરી આપી હતી. જોકે એક કાર હુમલાનો આરોપ મૂકી ઇઝરાયેલી સૈનિકોએ ર૪ વર્ષીય યુવકને ગોળી ધરબી દીધી હતી. તમને જણાવી દઇએ કે પૂર્વ જેરુસલેમના અલ કુદ્સ ખાતે આવેલી પવિત્ર અલ અક્સા મસ્જિદમાં પ્રવેશ પર ઇઝરાયેલ દ્વારા પ્રતિબંધ મૂકાયા બાદથી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇની નાગરિકો વચ્ચે ભારે તંગદિલી જોવા મળી રહી છે. યહૂદી શાસન ધરાવતું ઇઝરાયેલ અલ કુદ્સમાં વસાહતોનું નિર્માણ કરી તેનો કાયાકલ્પ કરવા માગે છે. તે આ પવિત્ર શહેરમાં સ્થાનિક પેલેસ્ટીનીઓને હાંકી કાઢી પ્રાચીન અને ઐતિહાસિક સ્થાપત્યોને પણ તોડી પાડવાની યોજના બનાવી રહ્યું છે. ઓક્ટોબર ર૦૧પથી અત્યાર સુધી લગભગ ૩૦૦થી વધુ પેલેસ્ટીની નાગરિકોએ ઇઝરાયેલી સૈનિકો સાથેની અથડામણ દરમિયાન તેમના જીવ ગુમાવ્યાં છે.