(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
શનિને મોટા હાહાકારી દેવતા માનવામાં આવે છે. એ જેની પાછળ પડી જાય છે, તેને બરબાદ કરી નાખે છે પરંતુ તેઓ પોતાના આટલા મોટા ઉપાસકોને પાછળ પડી જશે તેની જાણ ત્રણ દિવસ પહેલાં કોઈને નહોતી. દાતી મહારાજ હવે ભાગતો ફરી રહ્યો છે. તેના પર પોતાના આશ્રમમાં એક બાળકી સાથે વારંવાર દુષ્કર્મ કરવાનો આરોપ છે. પોલીસ હવે તેની શોધમાં ભટકી રહી છે.
મદનલાલે પોતાનું એવું બ્રાન્ડિંગ કર્યું કે તે જોતજોતામાં તો મદનલાલમાંથી દાતી મહારાજ બની ગયો. ફતેહપુર બેરીના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી એક એફઆઈઆર મુજબ દાતી પર આરોપ છે કે ૧પ ઓગસ્ટ, ર૦૧૩ના રોજ તેણે એક બાળકીને પોતાની હવસની શિકાર બનાવી હતી. પીડિતાના વકીલ પ્રદીપ તિવારી અનુસાર, દાતી પોતાની હવસના કેસમાં આસારામનો પાક્કો શિષ્ય હતો. પીડિતાને તેના પિતાએ ૧૦ વર્ષ પહેલાં દાતીના બાલગ્રામ આશ્રમમાં મોકલી હતી. આ આશ્રમ રાજસ્થાનના પાલીમાં છે. દાતીએ તેને જોતાં જ પાલીમાંથી દિલ્હીના છતરપુર આશ્રમમાં બોલાવી દીધી. આરોપો મુજબ, ત્યાં જ તેણે ૧પ ઓગસ્ટ ર૦૧૩ના રોજ પહેલીવાર તેના પર દુષ્કર્મ આચર્યું.
પીડિતાએ મેજિસ્ટ્રેટ સામે નિવેદન આપ્યું છે કે, દાતીના બે શિષ્યોએ પણ દિલ્હી આશ્રમમાં ઘણીવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. દાતી અને તેના શિષ્યોએ પીડિતાની ગરીબી અને આસ્થાનો લાભ ઉઠાવીને તેને મોં ના ખોલવા જણાવ્યું હતું અને ધમકી આપી હતી કે, જો તે આ વાત કોઈને પણ કહેશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. બે વર્ષ સુધી આ યુવતી આઘાતમાં રહી, ત્યારબાદ તેણીએ હિંમત કરીને તેના પરિજનોને સમગ્ર ઘટના વિશે જણાવ્યું.