(એજન્સી) બેંગ્લુરૂ, તા.૧પ
ગૌરી લંકેશની હત્યાની તપાસ કરનાર સીટના અધિકારીએ જણાવ્યું કે, ગૌરીની હત્યાના ૬ઠ્ઠા અને છેલ્લા શકમંદ આરોપી પરશુરામ વાઘમારેની ધરપકડ કરવામાં આવી છે. એમણે કહ્યું કે ફોરેન્સિક રિપોર્ટમાં પુષ્ટિ કરાઈ છે કે ગોવિંદ પાનસરે, એમ.એમ.કલબુર્ગી અને ગૌરી લંકેશની હત્યા એ જ હથિયારથી કરવામાં આવી હતી. જો કે, હજુ હથિયાર મળી આવ્યો નથી. એમણે કહ્યું કે ફોરેન્સિક અધિકારીઓ આ પ્રકારનો નિર્ણય અન્ય બાબતોના આધારે પણ કરી શકે છે. જ્યારે બંદૂકના હેમર દ્વારા ગોળીના છેડા ઉપર એક સરખી નિશાનીઓ જોવા મળતી હોય. અધિકારીએ કહ્યું કે, હિન્દુ કટ્ટરપંથીઓની સંસ્થાઓની બ્રાન્ચો પાંચ રાજ્યોમાં ફેલાયેલ છે. જેમના ૬૦થી વધુ સભ્યો છે પણ જેમના નામો જાહેર કરાયા નથી. અમોએ શોધી કાઢયું છે કે એ મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં ફેલાયેલ છે. જો કે, ઉત્તરપ્રદેશમાં એમની હાજરી દેખાતી નથી. આ સભ્યો હિન્દુ જાગૃત્તિ સમિતિ અને સનાતન સંસ્થાઓ સાથે પણ જોડાયેલ છે. પણ આ બે સંસ્થાઓએ હત્યાઓમાં એમની સંડોવણીનો ઈન્કાર કર્યો છે. ગૌરી લંકેશની જે દિવસે હત્યા થઈ એ દિવસે એમના ઘરની બહાર એક વ્યક્તિ સીસીટીવીમાં જોવાઈ હતી જે પરશુરામ વાઘમારે જેવો જ દેખાઈ રહ્યો હતો. જેનાથી પણ શંકા વધુ ઘેરી બની છે કે ગૌરીની હત્યામાં પરશુરામ વાઘમારેની સંડોવણી હતી. હત્યાની યોજના બનાવવામાં આવી હતી. આ ગ્રુપનો છેલ્લો લક્ષ્યાંક કે.એસ.ભગવાન હતા પણ સદનસીબે એમની ઉપર હુમલો કરી શકયા ન હતા.