(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે મંગળવારે ભારતીય સમાજમાં મુસલમાનોના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય મુસ્લિમ દુનિયામાં સૌથી સારા મુસલમાન છે. તેમણે કહ્યું કે, આવું માત્ર ભારતમાં જ છે કે જ્યાં ઈસ્લામના દરે ૭ર સંપ્રદાય રહે છે. દુનિયામાં કોઈ ઈસ્લામી દેશ નથી જ્યાં દરેક ઈસ્લામિક સંપ્રદાય હોય. ગૃહમંત્રીએ નવી દિલ્હીમાં ઈદ મિલન કાર્યક્રમમાં પોતાનું આ નિવેદન આપ્યું. રાજનાથસિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (આરએસએસ) નેતા ઈન્દ્રેશ કુમારની સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં આ કાર્યક્રમમાં ભાગ લીધો. પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું, મારું માનવું છે કે ભારતીય મુસલમાન પસંદગીથી ભારતીય છે, જો તેઓ ઈચ્છતા હોત તો તેઓ વિભાજન દરમિયાન જઈ શકતા હતા. જે ઈસ્લામના નેતા બનવાની કોશિશ કરે છે તે ‘રોજેદારો’ને મારે છે, તે અન્યાય છે. ગૃહમંત્રી રાજનાથસિંહે તાજેતરમાં જ કાશ્મીરમાં પત્રકાર શુજાત બુખારીની હત્યા અંગે કહ્યું કે, જે ધરતીમાં આપણે જન્મ્યા છીએ, જેનું અન્ન ખાઈને આપણે જીવિત છીએ, તે ધરતી માટે પણ તો આપણી કોઈક ફરજ છે. કાશ્મીરમાં જે કંઈ થયું, તે બધાં જ જાણે છે. રોજાના મહિનામાં જે પોતાને ઈસ્લામના મોટા મસીહા સાબિત કરવાની કોશિશ કરે છે, તે રોઝા રાખનારાઓ પર ગોળીઓ વરસાવે છે. આ ક્યાંનો ન્યાય છે, આ ક્યાંનો ઈસ્લામ છે. દરેક દેશવાસીઓએ આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આ દેશ જાતિ, ધર્મના આધારે નહીં ચાલે.