(સંવાદદાતા દ્વારા) વાગરા, તા.૨૦
વાગરા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી વાગરા તાલુકા પંચાયતના હોલ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. પ્રવર્તમાન વાગરા તાલુકાપંચાયતમા નવ સભ્યોની બહુમતી સાથે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદ કોંગ્રેસ પાસે હતું. પરંતુ કોંગ્રેસના વિલાયત તાલુકા પંચાયતના સભ્ય તારાબેન ઝવેરભાઈ વસાવાએ બળવો કરી ભાજપ તરફથી ઉપપ્રમુખ પદે ઉમેદવારી નોંધાવતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી જવા પામી હતી જ્યારે સામે પક્ષે ભાજપ પક્ષના આઠ સભ્યો થતાં બંને પક્ષો બરાબરી પર આવી ગયા હતા. મતદાન દરમ્યાન બંને પક્ષે સરખા મતો થતા ચિઠ્ઠી ઉછાળવાની ફરજ પડી હતી. જેમાં પ્રથમ પ્રમુખપદ માટે ચિઠ્ઠી નાખવામાં આવતા ભાજપના સુવા તાલુકા પંચાયતના સભ્ય ઈશ્વરભાઈ છગનભાઇ ગોહિલના નામની ચિઠ્ઠી નીકળતા તેઓ પ્રમુખપદે વિજેતા નીવડ્યા હતા જ્યારે ઉપપ્રમુખ પદે દહેજ તાલુકા પંચાયતના કોંગ્રેસી સભ્ય ગીતાબેન રાકેશભાઈ ગોહિલ જીત્યા હતા. કોંગ્રેસના વિલાયત તાલુકા પંચાયત બેઠકના સભ્ય તારાબેન ઝવેરભાઈ વસાવાએ પક્ષ પલટો કરતા વાગરા તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી. જેને પગલે જબુંસર ડિવિજનમાં નાયબ પોલીસ અધિક્ષક ગોહિલે કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય અને ચૂંટણી પ્રક્રિયા શાંતિ પૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ચૂંટણી પત્યા બાદ કોંગ્રેસ-ભાજપના સભ્યો વચ્ચે તું-તું-મેં-મેં
વાગરા તાલુકા પંચાયના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી પૂર્ણ થતાં જ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપા તરફે ગયેલા બળવાખોર મહિલા ઉમેદવારને કોંગ્રેસના કેટલાક સભ્યોએ ગદ્દાર કહી અભદ્ર ટિપ્પણી કરી અશોભનીય વર્તન દાખવતા ભાજપના સભ્યોએ કોંગ્રેસના પક્ષપલટું સભ્યની તરફેણમા આવી પ્રતિકાર કરતા એક તબક્કે ચૂંટણી સભાખંડમાં બંને પક્ષના સભ્યો વચ્ચે રીતસરની તુંતુંમેંમેં થઈ જવા પામી હતી. ક્ષણિક ઉગ્ર બોલાચાલી બાદ મામલો થાળે પડી ગયો હતો.