(એજન્સી) કોલકાતા, તા. ૨૧
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરૂવારે ભાજપના ઉગ્રવાદી સંગઠન ગણાવ્યું હતું અને તેમણે ધર્મના નામે લોકોના ભાગલા પાડનાર ભાજપને તેમના પક્ષ તૃણમુલ કોંગ્રેસ પર હુમલો કરવાનો પડકાર ફેેંક્યો હતો. મમતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ રાજ્યમાં પોતાની મતભાગીદારી વધારવા માટે લોકોને કોમવાદી રીતે ભાગલા પડાવી રહ્યો છે અને પોતાના કાર્યકરોને જણાવ્યું હતું કે, જે રીતે સમગ્ર દેશ આગળ વધી રહ્યો છે તે રીતે આગામી લોકસભા ચૂંટણીઆની તૈયારીઓમાં લાગી જાય. અમે ઉગ્રવાદી સંગઠનના લોકો નથી. તેઓ અભિમાની અને અસહિષ્ણુ છે. તેઓ ધાર્મિક ભેદભાવ રાખે છે. તેઓ મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને સિખોને પસંદ કરતા નથી, તેઓ હિંદુઓમાં જ ઉચ્ચ જાતિ અને નીચલી જાતિમાં ભેદભાવ રાખે છે. તેમણે તૃણમુલ કોંગ્રેસની બેઠકમાં આ આરોપ લગાવ્યો હતો. ભાજપ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ એન્કાઉન્ટર કરીને લોકોને ડરાવે છે.તેઓ દિલ્હીમાં સત્તા મેળળવા માટે બોમ્બનો ઉપયોગ કરે છે. હું તેમને પડકાર આપું છું કે, અહીં આવે અને મને હાથ લગાવી બતાવે. અમે તેમને તેમનું સ્થાન બતાવી દઇશું. દરમિયાન પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ દીલિપ ઘોષે જણાવ્યું હતું કે, તૃણમુલ કોેગ્રેસ દ્વારા તેમના કાર્યકરો પર હુમલા અને તેમને ડરાવવામાં આવશે તો તેઓ ડરવાના નથી. મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં તૃણમુલ કોંગ્રેસ વિરૂદ્ધ ભાજપ, કોંગ્રેસ, સીપીઆઇ અને માઓવાદીઓ હાથ મિલાવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતુ ંકે, રાજ્યમાં મતભાગીદારી વધારવા માટે ભાજપ ઇવીએમ મશીનો સાથે ચેંડાં કરી રહી છે. ઇવીએમ સાથે ચેડાં કરવાની ભાજપની ટેવ છે. આપણા પાર્ટીના કાર્યકરોએ સાવચેત રહીને આ બાબતનું ધ્યાન રાખવું પડશે. મહેશથલામાં મે માસમાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીઓની યાદ અપાવતા તેમણે કહ્યું હતું કે, તે સમયે ૩૦ ટકા ઇવીએમ યોગ્ય રીતે કામ કરતા નહોતા.
ભાજપે પહેલાં EVM સાથે ચેડાં કર્યા, લોકસભા ચૂંટણી જીતવા ફરી ચેડાં કરી શકે : મમતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાની પાર્ટીના કાર્યકરોને સંબોધતા આજે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીએ ઇલેકટ્રોનિક વોટિંગ મશીન સાથે ચેડાં કર્યા હતા અને તે ભવિષ્યમાં પણ આમ કરી શકે છે. તેમણે કાર્યકરોને ચીમકી આપી હતી કે, પાર્ટીના શિષ્ટના વ્હીપ સામે જનારા લોકો પાર્ટી છોડીને જતા રહે. જો આપણી પાર્ટીના કોઇપણ લોકો એવું વિચારતા હોય કે તેઓ પાર્ટી કરતા મોટા છે તો તેઓ જઇ શકે છે તેમના માટે દરવાજા ખુલ્લા છે. મને એવા અહેવાલ મળ્યા છે કે કેટલાક નેતાઓ અંદરો અંદર ભ્રષ્ટાચારના આરોપો મુકી લડી રહ્યા છે.આમાંથી કેટલાક પાર્ટીના આદેશો પર ધ્યાન આપી રહ્યા નથી. આવું ચલાવી લેવાશે નહીં. કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં બોલાવેલી બેઠકમાં બેનરજીએ સાંસદો, ધારાસભ્યો અને કોર્પોેરેટરોને કહ્યું હતું કે, તેઓ આગામી ૨૦૧૯ની લોકસબા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દે. તેમણે કહ્યું કે, ભાજપ ઈવીએમ સાથે ચેડાં કરે છે તેનું ધ્યાન રાખવું તેઓ ભૂતકાળમાં આવું કરી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ આમ કરી શકે છે.