(એજન્સી) પુણે, તા.ર૬
ધાર્મિક ભેદભાવને લઈને પુણેના ૩૭ વર્ષીય મુસ્લિમ કર્મચારીને કેનેડા સ્થિત ઈન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીએ નોકરીમાંથી કાઢી મૂકયો છે. એમ મંગળવારે અહેવાલમાં જણાવ્યું હતું. મગનપટ્ટામાં ક્યુબેક સ્થિત આઈટી ફર્મ એકસએફઓના કર્મચારી અમાનખાને જણાવ્યું કે, ૬ એપ્રિલ શુક્રવારના દિવસે તે સ્થાનિક મસ્જિદમાં નમાઝ અદા કરવા ગયા હતા. ઓફિસ પરત ફરવા તેઓ તેમની નમાઝ માટે પહેરવામાં આવતી ટોપી ઉતારવાનું ભૂલી ગયા હતા અને તેઓ કામમાં પરોવાઈ ગયા હતા. અમાને પ્રબંધક કિશોર ફોટેચા પર આરોપ મૂકયો કે કોટેચા સાથે સારા સંબંધ ન હોવાને કારણે તેમને કેબિનમાં બોલાવવામાં આવ્યો અને કથિત રીતે ધાર્મિક રિવાજોની ઝાટકણી કાઢી. ખાને કંપનીના એચઆર વિભાગમાં આ મુદ્દો ઉઠાવ્યો પરંતુ વિભાગે કાર્યવાહી કરવાને બદલે કંપની પ્રબંધકે ફરિયાદ પાછી લેવા દબાણ કરવા પર બેઠક માટે બોલાવ્યા. ખાને ઈન્કાર કરતાં એમને બરતરફ કરી દેવામાં આવ્યા. ખાને જણાવ્યું કે, કેનેડામાં મુખ્ય કાર્યાલયને ઈ-મેઈલ કર્યો હોવા છતાં તેનો કોઈ લાભ થયો નહીં. અંતે ખાને લેબર કમિશનમાં સોફટવેર કંપની પર ધાર્મિક અને માનસિક યાતનાનો આરોપ મૂકયો. લેબર કમિશન દ્વારા સોફટવેર કંપનીને ર૯ જૂનના રોજ મીટિંગ માટે સમન્સ પાઠવાયું છે.