(એજન્સી) લખનઉ, તા. ૨૬
બહુજન સમાજ પાર્ટી (બસપા)નાં પ્રમુખ માયાવતીએ ભાજપ પર નિશાન સાધતા જણાવ્યું કે દેશ છેલ્લા વર્ષથી ‘અઘોષિત ઇમરજન્સી’ હેઠળ છે અને વર્તમાન પરિસ્થિતિમાં લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો કેન્દ્ર અને રાજ્યોમાંની ભાજપ સરકારોનું વલણ ગરીબ, ખેડૂતો, મજૂરો, પછાત વર્ગો અને દલિતો વિરોધી છે. તેમણે જણાવ્યું કે ગરીબો, મજૂરો, ખેડૂતો, પછાત વર્ગો અને દલિતોની પજવણી ચાલુ રહ્યા બાદ સમાજના આ વર્ગોના લોકોના કલ્યાણ વિશે બોલવાના બધા નૈતિક અધિકારો કેસરિયા પક્ષે ગુમાવી દીધા છે.
લખનઉમાં જારી કરવામાં આવેલા એક નિવેદનમાં માયાવતીએ જણાવ્યું કે નોટબંધીને કારણે દેશ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યો છે અને છેલ્લા ચાર વર્ષથી અઘોષિત કટોકટીને સમાન પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકો ત્રાસ અને ગૂંગળામણ અનુભવી રહ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું કે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઘોષિત ઇમરજન્સી જેવી પરિસ્થિતિ અંગે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. તેઓએ ફુગાવો, બેરોજગારી અને ગરીબી જેવી સમસ્યાઓના ઉકેલ શોધવા જોઇએ અને તેમની દેશભક્તિ પુરવાર કરવી જોઇએ. ભાજપ સરકાર લોકો પ્રત્યેની તેની બંધારણીય જવાબદારીઓથી છટકવા માટે નિયમીત ધોરણે કોમી લાગણીઓ ભડકાવવા અને નવી યુક્તિઓ કરે છે. તેમણે એવું પણ જણાવ્યું કે દેશભક્તિના મોટા દાવાઓ કરીને લોકો વિરોધી નીતિઓ છુપાવવાની તેમની ટેવ પડી ગઇ છે.