(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૬
સંયુકત કુટુંબમાં રહેવા ન માંગતી અને શરીરસુખ ન આપતી બેંકની આસીસ્ટન્ટ મેનેજર પત્નીનાં ત્રાસી જઇ પતિએ અત્રેની ફેમિલી કોર્ટમાં છુટાછેડા માટે દાવો દાખલ કર્યો છે. પતિએ પત્નીનાં ત્રાસથી ત્રણ વખત આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હોવાનો દાવામાં ઉલ્લેખ કરીને છુટાછેડા માટે કોર્ટને વિનંતિ કરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર વાઘોડીયા ડભોઇ રોડ પર આવેલ સોસાયટીમાં રહેતાં રવિન્દ્ર બારોટ (નામ બદલ્યુ છે) એચ.ડી.એફ.સી. બેંકમાં નોકરી કરે છે. તેઓનાં લગ્ન બેંકમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતી પાલનપુરની પુજા જોષી (નામ બદલ્યુ છે) સાથે ૨૦૦૫ ની સાલમાં થયા છે. લગ્ન બાદ દંપતિ સંયુકત કુટુંબમાં રહેતું હતું. થોડા સમય બાદ પત્નીએ સંયુકત કુટુંબમાં રહેવા બાબતે પતિ સાથે ઝઘડા શરૂ કર્યા હતા. જેથી બંને જણાં ભાડાનાં મકાનમાં અલગ રહેવા ગયા હતા. અલગ રહેવા ગયા હોવા છતાં પત્ની વિવિધ કારણો આગળ ધરીને પતિ સાથે અવાર નવાર ઝઘડા કરતી હતી. ૨૦૦૮ ની સાલમાં મયુર (નામ બદલ્યુ છે) નો જન્મ થયો હતો. પુત્રનાં જન્મ બાદ પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ વધવા લાગ્યા હતા.
પત્નીની માંગણીઓ અને ઇચ્છાઓ પુરી કરવા છતાં પત્ની સાંસારીક જીવન જીવવા માંગતી ન હતી. તે પોતાની રીતે સ્વચ્છદી જીવન જીવવા માંગે છે. પત્નીનાં ત્રાસથી કંટાળી જીવનનો અંત લાવવા ત્રણ વખત જીવન ટુંકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પતિએ દાવામાં એમ પણ જણાવ્યું છે કે, મેં પ્રથમ વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ મારી પત્નીએ મને શારીરીક સુખ આપવાનું બંધ કરી દીધું હતું. અને મારી સામે અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હોવાના આક્ષેપ કરીને ઝઘડા શરૂ કર્યા હતા. પત્નીએ પોતાના પરિવારજનોને બોલાવીને મને ધમકીઓ પણ આપી હોવાનો દાવામાં આક્ષેપ કર્યો છે.સ્પોર્ટસમાં એકટીવ પુત્ર મયુરને લઇને પત્ની તેના પિયરમાં ચાલી ગઇ છે. તેમજ વડોદરાથી અમદાવાદ બદલી કરાવી દીધી છે. આ બદલી પણ તેને પૂર્વ આયોજન પ્રમાણે કરાવી હોવાનું દાવામાં આક્ષેપ કર્યો છે. મને એકજ વાતની ચિંતા છે કે, અમારા ઝઘડામાં માસુમ પુત્ર મયુરની જિંદગી બરબાદ થઇ રહી છે. પરંતુ પત્ની સાથે સાંસારીક જીવન જીવવું મુશ્કેલ છે. જેથી કોર્ટને જણાવ્યું છે કે, મારે પત્ની સાથે છુટાછેડા જોઇએ છે. હું તેના અમાનુસી અત્યાચારથી ત્રાસી ગયો છું. તે મારું મન જાણે છે. બસ મારી પત્ની પુજાથી છુટાછેડા અપાવો.