(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૭,
પ્રેમ સંબંધ બાંધ્યા બાદ પ્રેમીઓએ બે કિશોરીઓ ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પાણીગેટ તથા માંજલપુર પોલીસ સ્ટેશને નોંધાવા પામી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના ડભોઇ રોડ પર આવેલ વુડાનાં મકાનમાં રહેતી ૧૬ વર્ષની કિશોરીને ગત તા.૧૮મી જુનનાં રોજ તાંદલજા વિસ્તારમાં આશીયાનાનગરમાં રહેતો ઇમ્તીયાઝબેગ જેલમાંથી અમદાવાદ ખાતે રહેતો અનવર છુટયો છે તેમ કહીં પોતાની એકટીવા પર બેસાડીને કિશોરીને પાણીગેટ વિસ્તારનાં રાજારાણી તળાવ પાસેનાં ચંબુસાબાવાના ટેકરા પાસે રહેતી ફરીદા મહંમદભાઇ ખલીફાનાં ઘરે લઇ ગયો હતો. જ્યાંથી ફરીદા કિશોરીને તેના ભત્રીજા રફીકનાં ઘરે લઇ ગઇ હતી. રાત્રીનાં સમયે રફીકનાં ઘરે ફરીદા તેમજ ઇમ્તીયાઝની મદદથી કેફીણ પીણાવાળું દુધ પીવડાવી અનવર નામનાં યુવાને કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. સવારે ભાનમાં આવેલ કિશોરીને અનવરે આ વાત કોઇને કહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ ગભરાયેલ કિશોરીને આજે તેની માતાને કહેતા પાણીગેટ પોલીસમાં બળાત્કાર અંગેની ફરિયાદ અનવર તથા તેને મદદ કરનાર ફરીદા અને ઇમ્તીયાઝ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં માંજલપુર અલવાનાકા પાસેનાં ચિકોતરનગરમાં રહેતો નિલેશ ઉર્ફે બોડીયો નટુભાઇ સોલંકીએ નજીકમાં રહેતી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને લગ્નનાં સપના બતાવી અવારનવાર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતીથી મન ભરાઇ ગયા બાદ નિલેશે મોંઢુ ફેરવી લીધું હતું. અને લગ્ન કરવાની પણ ના પાડી દીધી હતી. જેથી બેવફા પ્રેમીની માયાજાળમાં ફસાઇને સર્વત્ર ગુમાવી દેનાર યુવતીનાં પિતાએ માંજલપુર પોલીસ મથકમાં બેવફા પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.