(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૪
તાલુકા મથક માંગરોળ ખાતે રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગ દ્વારા, અદ્યતન સુવિધા ધરાવતી સરકારી રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે. પરંતુ સંબંધિત આરોગ્ય વિભાગમાં જવાબદાર અધિકારીઓ દ્વારા આદિવાસી પટ્ટી ઉપર આવેલ આ હોસ્પિટલ પ્રત્યે લાપરવાહી રાખતાં આ હોસ્પિટલના સાધનો અને અન્ય સેવાઓ બિસમાર બની જવા પામી છે. જેની સીધી અસર ગરીબ દર્દીઓને પડે છે. આ હોસ્પિટલમાં છેલ્લા ઘણાં લાંબા સમયથી પીવાનાં પાણીનો વિકટ પ્રશ્ન છે. સાથે જ છેલ્લા બે અઠવાડિયાથી બોરની મોટર બગડી જતાં અન્ય વપરાશનું પાણી પણ બંધ થઈ જતાં આ હોસ્પિટલમાં ડિલિવરી માટે આવતી મહિલાઓ અને ઝાડા-ઉલટીનાં આવતા દર્દીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ પ્રશ્ને વર્તમાનપત્રમાં રજૂઆત કરતાં આજે તા.૪ના બોરની મોટરનું સમારકામ કરવા માટે કર્મચારી આવ્યા હતા. જ્યારે પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા સ્થાનિક દાતા તરફથી દરરોજ બે મીનરલ વોટરમાં કૂલર આપવાનું શરૂ કરાયું છે, આમાં આ બે પ્રશ્નો હલ થયા છે.
આ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગો અને ઓપરેશન થીયેટર હોય, સતત વીજ પુરવઠો મળી રહે એ માટે ૩ લાખ રૂપિયાની કિંમતનું ઈલેકટ્રીક પાવર સપ્લાય જનરેટર સને-ર૦૧રમાં મૂકવામાં આવ્યું હતું તેવી જ રીતે આ સમયમાં સ્ટાફ અને દર્દીઓને સ્વચ્છ પાણી મળી રહે એ માટે મીનરલ વોટર પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે પરંતુ આ બંને સુવિધાઓ જ્યારથી મુકાઈ છે ત્યારથી જ બંધ પડી છે. તેવી જ રીતે પીવાનું ઠંડુ પાણી મળી રહે એ માટે બે વોટરકૂલર પણ હતા. આ તમામ ઉપયોગ કર્યા વિનાં જર્જરીત થઈ ગયા છે. ઈમારતના તમામ રૂમો, કમ્પાઉન્ડ અને લોબીઓમાં મૂકવામાં આવેલ ટ્યુબ લાઈટો અને પંખાઓમાં મોટાભાગની ટ્યુબ લાઈટો અને પંખા બંધ પડ્યા છે. પરિણામે ફરજ ઉપરના સ્ટાફે દર્દીને ઈન્જેકશન આપવું હોય કે પછી બોટલો ચઢાવવા હોય ત્યારે મોબાઈલની લાઈટનો સહારો લઈ પોતાના જોખમે સારવાર કરવી પડી રહી છે. હોસ્પિટલની એમ્બ્યુલન્સ એક અઠવાડિયા પહેલા બગડી જતાં એને રીપેર માટે ગેરેજમાં મૂકવામાં આવી છે અને એમ્બ્યુલન્સ રીપેર પણ થઈ ગઈ છે પરંતુ રીપેરિંગ ખર્ચના બિલની રકમ ચૂકવવામાં ન આવતા આ સેવા બંધ થઈ ગઈ છે.