(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૭
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામના એક ઘરમાં ચડ્ડી બનિયાનધારી ટોળકીએ ગતરાત્રે ત્રાટકીને પરિવારને ડરાવી ધમકાવીને રોકડા રૂા. ૯,૦૪,૦૦૦ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂ. ૯.૬૦ લાખની લૂંટ કરી નાસી ગયા હોવાની ફરિયાદ ઓલપાડ પોલીસ મથકે નોંધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં રહેતા અને પુજા પાઠનું કામ કરતા મનસુખલાલ દયારામ સોલંકીના ઘરમાં પાંચેક જેટલા ચડ્ડી-બનિયાનધારી ધાડપાડુ ત્રાટક્યાં હતા. તા.૧૬મીએ રાત્રે એકાદ વાગ્યા પછી ત્રાટકેલા આ ધાડપાડુ ટોળકીએ લોખંડના સળિયા, લાકડી, તલવારથી પરિવારને ડરાવી ધમકાવી રોકડા રૂ. ૯.૦૪ લાખ, સહિત સોના ચાંદીના દાગીના, બે મોબાઇલ ફોન મળી કુલ્લે રૂા.૯.૬૦ લાખની મત્તા લૂંટી ગયા હતા. ઓલપાડ પોલીસે મનસુખલાલ સોલંકીની ફરિયાદ નોંધી નાયબ પો. કમિ. એસ. કે. વાળાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ડી.એન. ખાંટે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શિયાળાની ૠતુમાં દેખાદેતી ધાડપાડુ ટોળકીએ ચોમાસાની ૠતુમાં ઘાડ પાડતા પોલીસે આ દિશામાં પણ તપાસ આદરી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.