અમદાવાદ, તા.ર૪
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.૯થી ૧ર સુધીનું પરીક્ષાનું નવું માળખું તૈયાર કરાયું છે. જે આ ચાલુ વર્ષથી જ અમલી બની જશે. આ માળખામાં નવા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. ધો.૧૦ અને ૧ર વિજ્ઞાન પ્રવાહમાં પ૦ ટકા એમસીક્યુના ટાઈપના પ્રશ્નોના સ્થાને ર૦ ટકા એમસીક્યુ આધારિત પ્રશ્નો પૂછાશે જ્યારે આ બદલાયેલા માળખામાં ૮૦ ટકા પ્રશ્નો મુદ્દાસર પૂછાશે. તથા નવી પરીક્ષા પદ્ધતિનો અમલ ર૦ર૦થી થશે તથા પ્રથમ અને દ્વિતીય કસોટી પ૦ ગુણની કરવામાં આવી છે. જ્યારે વાર્ષિક પરીક્ષાના ૮૦ ગુણ અને ર૦ ગુણ ઈન્ટર્નલ મૂલ્યાંકનના આપવાનું નક્કી કરાયું છે. રાજ્યમાં ધો.૯થી ૧રમાં એનસીઈઆરટીના પુસ્તકોની પેટર્ન બદલાતા આ નવું માળખું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા નવું પરીક્ષા માળખું જાહેર કરાયું છે. જેમાં ધો.૯ની પ્રથમ અને દ્વિતીય પરીક્ષા પ૦ ગુણની રાખવામાં આવશે જ્યારે વાર્ષિક પરીક્ષા ૧૦૦ માર્કસની રાખવામાં આવશે. જેમાંથી ૮૦ માર્કસની પ્રશ્નોત્તરી જ્યારે ર૦ માર્કસની મૌખિક પરીક્ષા લેવામાં આવશે તો બીજી બાજુ ધોરણ ૧૦ અને ૧રમાં જે પ૦ ટકા ઓએમઆર સીટ મુજબ એમસીક્યુ પૂછવામાં આવતા હતા તેને રદ કરીને તેને બદલે હવે ર૦ ટકા જ અર્થાત ૧૬ માર્કસના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે જ્યારે ૬૦ માર્કના પ્રશ્નો મુદ્દાસર પ્રકારના પૂછવામાં આવશે. આમ આ પ્રકારનું માળખું અમલી બનવાથી વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડશે અને માર્કિંગ વધુ મેળવવા માટે વિદ્યાર્થીઓએ રાત-દિન તનતોડ મહેનત કરવી પડશે તથા આ ઉપરાંત જો એનસીઈઆરટી મુજબ પરીક્ષા લેવાશે તો આવનારા દિવસોમાં ધો.૧૦ અને ૧રનું રિઝલ્ટ હજુ પણ નીચે આવી શકે છે. આ માળખું ધો.૯ અને ૧૧માં ચાલુ વર્ષથી જ અમલી બનશે જ્યારે ધોરણ ૧૦ અને ૧રનું માળખું વર્ષ ર૦ર૦થી અમલી બનાવવામાં આવશે.
ગુજરાતની પ્રજાને અત્યારસુધી નુકસાન થયું તેની હકીકત તંત્ર જાહેર કરે : કોંગ્રેસ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૯થી ૧રની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવા અંગે શાળાઓને પત્રો પાઠવ્યા છે. જેમાં એનસીઈઆરટીના પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમો લાગુ કરવાની ર૦૧૮થી જ શરૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે અત્યારસુધી શિક્ષણને જે પારાવાર નુકસાન થયું છે તેની હકીકત ગુજરાતની જનતાને જણાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનિષ દોશીએ માગ કરી છે. તેમણે આ પરિપત્રની હકીકત અંગે જણાવ્યું છે કે, એનસીઈઆરટીના અભ્યાસક્રમ ક્રમશઃ લાગુ કરવાની સરકારે ર૦૧૩, ર૦૧૪, ર૦૧પ, ર૦૧૬માં જાહેરાત કરી હતી તો આ પરિપત્રનું શું ? આ ફેરફાર કરવાથી શું ફાયદા ? અગાઉના કારણે થયેલ નુકસાન શિક્ષણ વિભાગે જણાવવું જોઈએ. એમસીક્યુ માટે વારંવાર ફરિયાદો હતી. અંતે સરકારે ૭ વર્ષે બદલાવ કર્યો ત્યારે શિક્ષણને ભારે નુકસાન થયું તે માટે જવાબદાર કોણ ? બોર્ડ દ્વારા લાખો વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા પરીક્ષા ફી પેટે ઉઘરાવવામાં આવે છે પણ તે નાણાંનુ યોગ્ય ખર્ચ કેમ થતો નથી ? આંતરિક મૂલ્યાંકન એમસીક્યુ-સેમેસ્ટર પદ્ધતિ રાતોરાત લાગુ કરવાથી અને ત્યારબાદ રદ કરવા માટેના કારણો ગુજરાતના વિદ્યાર્થીઓ-વાલીઓને રાજ્ય સરકારે જણાવવા જોઈએ.