ઉના, તા. રપ
ઉના ગીરગઢડા પંથકના ગ્રામ્ય વિસ્તાર અને શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં સતત વરસેલા વરસાદના પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા નાના માણસથી માંડીને સામાન્ય વર્ગના લોકોના ઘર સામાન અને જીવન જરૂરી ચિજવસ્તુઓ તણાઈ ગઈ. માલસામાન પલળી ગયા હતા. એટલુંજ નહીં બાળકોના શાળાએ લઇ જવાતા અભ્યાસ માટેના પુસ્તકો પણ આ વરસાદના પાણીમાં પલળી જતા નાશ પામતા હજારો છાત્ર-છાત્રાઓએ કરેલા બે માસના અભ્યાસક્રમોની બુકો પણ નાશ પામતા તેની સિધી અસર બાળકના શિક્ષણ ઉપર પણ પડેલ છે. હાલમાં બાળકો શાળાઓમાં જાય તો પણ તેમની પાસે પુરતા પુસ્તકો હોતા નથી અને જે પુસ્તકો છે તે પાણીમાં ભીંજાવાથી રદી બની ગયા ત્યારે તેમના અભ્યાસની ચિંતા બાળકો અને વાલીઓમાં જોવા મળી રહી છે.
હજુ તો દોઢ માસ પહેલાજ વાલીઓએ પોતાના સંતાનોને સારૂ શિક્ષણ મળે તે હેતુસર બજારમાંથી મોંધી કિંમતના બાળકો માટે નવા પુસ્તકો ખરીદી કરીને આપ્યા છે. તો બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ સરકારી શાળાઓમાંથી મળેલા પુસ્તકો અને સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોએ ઘટતા પુસ્તકો બજારમાંથી ખરીદેલા હોય આવા મોટાભાગના વિદ્યાર્થીઓના પુસ્તકો મોટાભાગના ગ્રામ્ય વિસ્તારો પાણીમા ડૂબી જતા ઘરોમાં કમર ડૂબ પાણી ભરાતા આ પુસ્તકો પાણીમાં ખરાબ થતા હજારો વિદ્યાથીઓનું શિક્ષણકાર્ય ખોરંભે પડ્યુ છે. એક તો અતિવૃષ્ટીના કારણે નુકસાની અને ફરી વખત ગ્રામ્યપ્રજા પર પોતાના સંતાનોના પુસ્તક અને કપડાનો બોજ પડતા હજારો વાલીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણની ચિંતામાં પરેશાન બની ગયા છે.