(સંવાદદાતા દ્વારા)
માંગરોળ, તા.૩
માંગરોળમાં બેંક વાળાઓની મનમાનીના કારણે ખાતેદારો અને વિધાર્થીઓ પારાવાર મુશ્કેલીઓ અને હાલાકીનો સામનો કરી રહ્યા છે. ખાતું ખોલવાથી માંડીને દરેક પ્રકારની કામગીરી બાબતે માંગરોળ ની તમામ બેંકોમાં કર્મચારીઓની નિતિના લીધે લોકો ત્રસ્ત થઈ ગયા છે. માંગરોળ મા જેટલી બેંકો તેટલા નિયમોના લીધે મોદી સરકારની કેશ લેશ અને ડીજીટલ ઈન્ડિયા ની વાતો વાહીયાત અને દલીલો પોકળ સાબિત થઈ રહી છે. દરેક બેંકમા કર્મચારીઓ દ્વારા આવનારા લોકો ને આ ટેબલ પરથી પેલા ટેબલે ખો આપવામાં આવે છે. કોઈ સીધા જવાબ મળતા નથી. આવી દરરોજ ની અઢળક ફરિયાદો ઉઠવા લાગી છે. કનેક્ટીવીટી સહીતના અનેક પોકળ બહાના અને ધક્કા પર ધક્કા થી થાકી ગયેલા માંગરોળ ના લોકો માટે બેંક મા ખાતું ખોલાવવું માથાનો દુઃખાવો બની ગયું છે.
દેના બેન્ક, એસબીઆઈ અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં દરરોજ કનેક્ટીવીટી, ફીગરના બહાને હજ્જારો લોકો ને હેરાન કરાય છે. એસબીઆઈ મા ટોકન સીસ્ટમ મશીન હોવા છતાં તેનું પડીકું વાળી લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રખાય છે. લીમડા શાખા મા કામ ન કરવું પડે એટલે લોકોને ખાતું ખોલવા કયુઝ સેન્ટર મા મોકલી આપે છે. તો દેના બેન્ક મા છેલ્લાં ઘણાં દીવસથી કનેક્ટીવીટી ના બહાને ખાતેદારો ને રઝળપાટ કરાવાય છે.
સ્કુલોમાં નવું સત્ર શરૂ થવાની સાથે જ સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશિપ મેળવવા વિદ્યાર્થીઓને બેંકમા ખાતું ખોલાવવા રઝળપાટ કરી રહ્યા છે. આ બાબતે દરરોજ ની વિદ્યાર્થીઓ અને વાલીઓમાથી અનેક ફરિયાદો મળી રહી છે કે, માંગરોળ ની મોટા ભાગની બેંકો દરરોજ નવા નવા નિયમો બતાવી વિદ્યાર્થીઓના ખાતા ખોલી આપતા નથી.
જનધન યોજના અને નોટબંધી વખતે વિદ્યાર્થીઓના ખાતા ખોલવામાં કોઈ એક બેંક પર ભારણ ન વધી જાય તે માટે પાલિકાના વોર્ડ વાઈસ માંગરોળ ની બેંકોની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ આવી સહૂલત ને પણ કડક નિયમ તરીકે ઉપયોગ કરી વિદ્યાર્થીઓને હેરાન કરાયા હતા. સૌથી અચરજ ની વાત એ છે કે, ફેબ્રુઆરી મા યોજાયેલી પાલિકાની ચૂંટણી વખતે નવા સીમાંકન મુજબ ૧૨ માથી ૯ વોર્ડ થઈ ગયેલા અને આ બાબતે પાલિકાના સત્તાધીશો દ્વારા નવા વોર્ડ નું લિસ્ટ પણ બેંકો ને આપવામાં આવેલું. અને પાલીકાના પૂર્વ પ્રમુખ મો. હુસેન ઝાલાએ જીલ્લા કક્ષાએ રજૂઆત પણ કરી હતી. છતાં જાણે બેંક વાળાઓ એ વિધાર્થીઓને ખાતું ખોલી આપવામા જ રસ ન હોય તેમ જાણી જોઈને જુના ૧૨ વોર્ડ ને વળગી રહી અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન કરાયા હતા. ટીડીઓ એ પણ માંગરોળ એસબીઆઈ ને લેખિતમાં રજૂઆત કરી હતી પરંતુ કોઇ અસર જોવા મળી નહોતી. છેવટે આ બાબતે શાળા ના સંચાલકો દ્વારા વેરાવળ ખાતેની તાલુકા હેડઓફીસમા ફરિયાદ કરતા એક વર્ષ પછી નવા વોર્ડ મુજબ બેંકો નક્કી કરવામાં આવી છે.