Site icon Gujarat Today

ભારતીય સૈન્ય જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી ડોકલામ મામલે કોઈ વાત નહીં

બેઈજિંગ,તા. ૨૪
ડોકલામ વિવાદને લઇને જારી ખેંચતાણ વચ્ચે ચીન હજુ સુધી સરકારી મીડિયા મારફતે ભારતને યુદ્ધની ધમકી આપી રહ્યું હતું. જો કે હવે સીધી રીતે ચીનની સેનાએ ભારતને યુદ્ધની ચેતવણી આપી દીધી છે. ચીની સેના તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પહાડી વિસ્તારોને હચમચી મૂકવાની બાબત શક્ય છે પરંતુ ચીની સેનાને નહીં. ભારત ડોકલામમાંથી પીછેહટ નહીં કરે તો ચીન આ વિસ્તારમાં પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કરી દેશે. ચીની સેનાના પ્રવકતા વુ ચિએને ભારતને ધમકી આપતા કહ્યું છે કે ચીની સેનાનો ૯૦ વર્ષનો ઇતિહાસ અમારી ક્ષમતાને સાબિત કરે છે. પહાડીનો હચમચાવી મૂકવાની બાબત શક્ય છે પરંતુ ચીનની સેનાને નહીં. ભારત કોઇ ભ્રમમાં ન રહે તેમ કહેવામાં આવ્યું છે. અમે કોઇ પણ કિંમતે અમારી જમીનનું રક્ષણ કરીશું. ડોકલામનો સમગ્ર વિવાદ માર્ગ નિર્માણને લઇને શરૂ કરાયો હતો. આનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે જૂનના મધ્યમાં ચીની સેનાએ માર્ગના નિર્માણની જવાબદારી લીધી હતી. ડોકલામ ચીની વિસ્તાર છ. ચીન પોતાના ક્ષેત્રમાં માર્ગ નિર્માણનું કામ કરે તે સામાન્ય ઘટના છે. ભારત પર સરહદી ઉલ્લંઘનનો આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે ચીની ક્ષેત્રમાં ભારત દ્વારા ઘૂસણખોરી આંતરરાષ્ટ્રીય સરહદનો ભંગ છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય કાયદાનો પણ ભંગ છે. ચીને પહેલા પણ કહ્યું છે કે ભારતની સાથે કોઇ પણ પ્રકારની વાત એ જ વખતે થશે જ્યારે ભારતના સૈનિકો પીછેહટ કરશે. આ વલણને દોહરાવીને ચીની સેનાના પ્રવકતાએ કહ્યું છે કે અમે ભારતને અપીલ કરીએ છીએ કે તે પોતાના સૈનિકોને પરત બોલાવી લે. આ સમસ્યાને ઉકેલવાની આ મૂળભૂત શરત છે.
આ સમગ્ર વિસ્તારમાં શાંતિ સરહદી વિસ્તારમાં શાંતિ પર આધારિત છે. એ નોંધનીય છે કે ચીની મીડિયા સતત યુદ્ધની ધમકી આપીને ભારત પર દબાણ લાવવાના પ્રયાસમાં છે. પરંતુ ભારતે પણ સાફ શબ્દોમાં કહ્યું છે કે તે કોઇ દબાણ સમક્ષ ઝુકનાર નથી. ભારતની સેનાએ ડોકલામમાં તંબુ લગાવીને કોઇ પણ કિંમતે કિંમતે પીછેહટ નહીં કરવાનો સંકેત આપી દીધો છે. આવી સ્થિતિમાં જટિલ સ્થિતિ હાલ અકબંધ રહે તેવા સંકેત મળી રહ્યા છે.

Exit mobile version