(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૭
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ ફરી એકવાર વરસાદનું આગમન થતા ઠેર ઠેર મેઘાની લહેર વ્યાપી જવા પામી છે. ત્યારે રાજયના હવામાન વિભાગે હવે આગામી ત્રણથી ચાર દિવસમાં રાજયના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરી છે બંગાળની ખાડી પરની સક્રિય વરસાદી સીસ્ટમને લઈ ગુજરાતમાં હવે આગામી દિવસોમાં ચોમાસુ જામે તેવી ગણતરી મંડાઈ રહી છે જેમાં કેટલાક જિલ્લાઓમાં તો અતિભારે વરસાદ પડવાની શકયતા પણ દર્શાવાઈ છે.
અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા આંખ મીચામણાં કરી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે હવે આગામી ત્રણથી ચાર દિવસમાં ગુજરાતમાં ઘણાખરા ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં રાજયના ૧૧ જિલ્લાઓમાં તો, ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.બંગાળની ખાડીમાં અપર એર સાયકલોનિક સરકયુલેશન સર્જાયુ હોવાથી વરસાદની શકયતા જોવામાં આવી રહી છે. અપર એર સરકયુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થઈને આગળ વધી રહ્યુ છે. બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશમાં થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. ગઈકાલે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળો ચોક્કસ ઘેરાયેલા હતા, પરંતુ વરસાદ ન વરસતા લોકો બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. હાલ બંગાળની ખાડી પર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જે, લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેથી આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશન ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધશે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી તા.૧૭ અને તા.૧૯ ઓગસ્ટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બંગાળની ખાડીની પરની વરસાદી સિસ્ટમ ગુજરાતમાં સક્રિય થઈ છે. જો કે જે રીતે દરિયો તોફાની બન્યો છે તે જોતા આગામી ૪૮ કલાક સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના પણ આપવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૬ ટકા વરસાદ વરસ્યો છે. જો કે, તેમ છતા રાજ્યના અમદાવાદ સહિતના સંખ્યાબંધ જિલ્લાઓમાં હજુ પણ જરૂરિયાત કરતા ઓછો વરસાદ વરસ્યો છે.,