(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨૦
શહેરના સમા વિસ્તારનાં ખુલ્લા ખેતરમાં ચાલતા જુગાર ધામ ઉપર રેડ પાડવા ગયેલ સમા પોલીસ ઉપર ટોળાએ હુમલો કરી પોલીસને ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે હુમલો કરનાર ૮ જણાં સહિત ૫૦નાં ટોળાં સામે રાયોટીંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર સમા પોલીસ મથકનાં પો.સ.ઇ. ડી.કે. વાઘેલાને બાતમી મળી હતી કે, મંગલ પાંડે રોડ પર આવેલ ખુલ્લા ખેતરમાં જુગાર રમાડવામાં આવે છે. જેને પગલે પોલીસે સ્ટાફ સાથે રવિવારની રાત્રે રેડ પાડી હતી. પોલીસને જોઇને જુગાર રમનારાઓ ભાગી છુટયા હતા. પરંતુ સમા વિસ્તારનાં રણછોડનગરમાં રહેતાં વાસુ ધુળાભાઇ માળી, હિતેશ ઉર્ફે ચીકુ માળી, દિપો રમણભાઇ માળી, મુકેશ ઉર્ફે જલીયો ચતુરભાઇ માળી, કાભાઇ છોટાભાઇ માળી, પિન્ટુ ઉર્ફે લેડી માળી તથા બિપીન માળી અને રમણ ઉર્ફે શિયાળ માળી સહિત ૫૦ માણસોનાં ટોળાએ પોલીસને ઘેરી લીધી હતી. ઝડપાયેલા જુગાર રમનારાઓને છોડાવવા માટે આ ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી પોલીસને કાયદેસરની ફરજમાં અડચણ ઉભી કરી હતી. ટોળાએ હુમલો કરી પોલીસને ગરડાપાટુનો મારમારતા પો.કો. મિતેષકુમાર અનોપસિંહને ઇજા પહોંચી હતી. પોલીસ ઉપર હુમલો કરી પકડાયેલા બે આરોપીઓને ટોળાએ છોડાવી દીધા હતા. આ બનાવ અંગે સમા પોલીસે હુમલો કરનાર ટોળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.