(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
આસામ એનઆરસી લિસ્ટ મુદ્દાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં પશ્ચિમ બંગાળમાંથી ભાજપના સાંસદ રૂપા ગાંગુલીએ કહ્યું હતું કે, ૧૯૪૭માં ભારતના ભાગલા પછી પશ્ચિમ બંગાળ ભારતના હિંદુઓનો ભાગ બન્યું હતું. તેમણે કહ્યું કે, પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર બને તે માટે દેશના ભાગલા થયા હતા અને બાંગ્લાદેશ પ્રાથમિક રીતે જ મુસ્લિમો માટે બન્યું હતું. જેના કારણે મુસ્લિમો પશ્ચિમ બંગાળ છોડી જતાં આ રાજ્ય હિંદુઓ માટે રહ્યું હતું. ગાંગુલીએ એનઆરસી ડ્રાફ્ટ મુદ્દે સવાલના જવાબમાં આ પ્રતિક્રિયા આપી હતી.
ગાંગુલીએ કહ્યું કે, ફક્ત હિંદુઓ જ નહીં પણ ભારતમાં વિશ્વના જુદા જુદા ખુણાઓમાંથી આવેલા બુદ્ધો અને જૈનો પણ શરણાર્થીઓ છે. તેમણે કહ્યું કે, રાજકીય રીતે અયોગ્ય છે, પાકિસ્તાનને મુસ્લિમ દેશ બનાવવા માટે ભાગલા પડ્યા હતા, જ્યારે બાંગ્લાદેશ મુખ્યત્વે મુસ્લિમો માટે હતું, બંગાળ ભારતનો ભાગ જ્યાં બાંગ્લાદેશમાંથી પરત ફરેલા હિંદુઓ રહી શકે. ભારતમાં વિશ્વના અન્ય સ્થળોથી આવેલા બૌદ્ધો અને જૈનો પણ શરણાર્થીઓ છે. ગાંગુલીએ આના બહાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર નિશાન તાક્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, આસામ એનઆરસીને કારણે રક્તપાત અને હિંસા સર્જાશે. બેનરજી પર પ્રહાર કરતા ગાંગુલીએ કહ્યું કે, શું બેનરજી જાણે છે કે, પશ્ચિમ બંગાળમાં ઘણા બધા શરણાર્થીઓ છે ? તે જ રીતે આજે પશ્ચિમ બંગાળમાં શું થઇ રહ્યું છે, શું આ રક્તપાત કે ગૃહયુદ્ધથી ઓછું છે ? શું તેઓ નથી જાણતા કે રાજ્યમાં દરરોજ ભાજપના કાર્યકરોની હત્યા થાય છે ? એનઆરસી મુદ્દે સરકાર અને બાદમાં ત્રિપુરાના રાજ્યપાલનું સમર્થન કરતા તેમણે કહ્યું કે, અન્ય દેશમાંથી સરહદ પાર કરીને આવતા લોકોમાં અંતર છે. જે લોકો ભયની પ્રવૃત્તિઓને કારણે દેશ છોડે છે તેઓ શરણાર્થીઓ છે જ્યારે જે લોકો રોજગાર અને આર્થિક તકો માટે અન્ય દેશોમાં જાય છે તેઓ ઘુસણખોર છે.