(એજન્સી) તા.૨૩
છત્તીસગઢ સરકારે રાષ્ટ્રીય મહત્વના કેટલાય સ્થાનોનું નામકરણ પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. છત્તીસગઢની નવી રાજધાની નયા રાયપુરનું નામ હવે અટલનગર રાખવાનો રાજ્ય સરકારેે મંગળવારે નિર્ણય કર્યો હતો. ૧૯૯૮માં પરમાણુ પરીક્ષણની બીજી શ્રેણી હાથ ધરીને રાષ્ટ્રમાં પૂર્વ વડાપ્રધાનના યોગદાનની સ્મૃતિમાં છત્તીસગઢ આર્મ્ડ ફોર્સીસની (સીએએફ) બટાલિયન હવેે પોખરણ બટાલિયન તરીકે ઓળખાશે. એ જ રીતે વિલાસપુર વિશ્વ વિદ્યાલયનું નામ અટલબિહારી વાજપેયી વિશ્વવિદ્યાલય, રાજનંદગાંવ મેડિકલ કોલેજનું નામ અટલબિહારી વાજપેયી ચિકિત્સા મહાવિદ્યાલય રાખવાનો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠક બાદ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિરુપે છત્તીસગઢના કેટલાક સ્થળોના નામે બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નેરોગેજ લાઇનનું નામ અટલપથ રાખવામાં આવશે. સાથે જ મડવા વીજ પ્લાન્ટનું નામકરણ પણ અટલજીના નામે કરવામાં આવશે. મુખ્યપ્રધાન રમનસિંહે જણાવ્યું હતું કે અટલબિહારી વાજપેયીની એક મોટી પ્રતિમા નવા રાયપુરમાં લગાવવાની સાથે જ રાજ્યના પ્રત્યેક જિલ્લામાં પણ અટલજીની પ્રતિમા લગાવવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે સરકારે કલેક્ટર કચેરીની બાજુમાં બનનારા કેન્દ્રીય ઉદ્યાનનું નામ પણ અટલ પાર્ક રાખવાનો નિર્ણય કર્યો છે. નયા રાયપુરમાં અટલજીનું સ્મારક ઊભું કરાશે. આ ઉપરાંત નયા રાયપુર તેમજ રાજ્યના ૨૭ જિલ્લા વડા મથકો ખાતે અટલજીની પ્રતિમા મૂકવામાં આવશે. છત્તીસગઢની નવી રાજધાની નયા રાયપુર હાલના રાયપુરની દક્ષિણ પૂર્વમાં ૨૦ કિ.મી. દૂર આવેલ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧ ઓક્ટો.ઉજવાતા છત્તીસગઢ રચના દિવસ પર સારા પ્રશાસન માટે પંચાયતો અને નગરપાલિકાઓને અટલબિહારી વાજપેયી સુશાસન એવોર્ડ આપવામાં આવશે. આ ઉપરાંત છત્તીસગઢ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશનના પાઠ્યપુસ્તકમાં પણ અટલબિહારી વાજપેયીના જીવનચરિત્રનો સમાવેશ કરવામાં આવશે. છત્તીસગઢ સરકાર અટલજીના નામે રાષ્ટ્રીય સ્તરનો કાવ્ય પુરસ્કાર પણ આપશે.