(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૯
રાફેલ સોદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણી વચ્ચેની સીધી ડીલ છે તેવો આરોપ લગાવતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, મોદી સમગ્ર સોદામાં મધ્યયુગના શાસકની જેમ વર્તી રહ્યા છે. રાફેલ સોદા બાદ દેશને આ સમજૂતી અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.
કોંગ્રેસે સરકારને પડકાર ફેંક્યો હતો કે, તેઓમાં હિંમત હોય તો તેઓ આ આરોપો અંગે કોર્ટમાં પણ જઈ શકે છે. આ સોદાની માહિતી પણ લોકોથી છૂપાવવામાં આવી છે. બીજી તરફ ભાજપ સરકારે આ આરોપો નકારી કાઢ્યા છે અને અનિલ અંબાણીની કંપનીએ આ મામલે કોંગ્રેસને કાનૂની નોટિસ ફટકારી તાકીદ કરી છે કે, જૂઠા અને બદનક્ષી કરતાં આરોપો ન લગાવવામાં આવે.
અલબત્ત કોંગ્રેસે રાફેલ સોદા અંગે સરકાર સામે આરોપો જારી રાખ્યા છે. કોંગ્રેસ આગામી લોકસભા ચૂંટણીમાં આ સોદાને રાજકીય મુદ્દો બનાવવા માંગે છે કેમ કે મોદી હંમેશાથી ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો દાવો કરતાં આવ્યા છે.
કોંગ્રેસના પ્રવક્તા જયપાલ રેડ્ડીએ જણાવ્યું હતું કે, મોદીએ દેશની સુરક્ષાથી ઉપર ઊઠી પોતાના ઉદ્યોગપતિ મિત્રને ફાયદો પહોંચાડવા આ સોદો કર્યો છે. આ સોદા અંગે માત્ર મોદી અને અનિલ અંબાણી જ જાણે છે ડીલ થયાના થોડા દિવસો પહેલા જ આ કંપનીની સ્થાપના કરવામાં આવી છે. મારી જાણ મુજબ આ મોદી અને અનિલ અંબાણી વચ્ચેનો સીધો સોદો છે.