(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૯
ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક વધતા કડાણા ડેમની સપાટીમાં વધારો થયો છે, અને કડાણા ડેમનું લેવલ ૪૧૦.૦૯ ફૂટએ પહોંચતા ડેમમાં ૮૦ ટકાથી વધુ પાણી સંગ્રહ થયો છે, અને પાણીની આવક સતત વધતી જતી હોઈ કડાણા ફલડ સેલ દ્વારા એલર્ટ સ્ટેઝ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. કડાણા ડેમમાંથી પાણી છોડાવાની શકયતાઓને લઈને આણંદ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા આજે આણંદ જિલ્લાનાં મહીસાગર નદી કાંઠે આવેલા ૨૮ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં આણંદ તાલુકાનાં ખાનપુર, ખેરડા, આંકલાવડી, રાજુપુરા, પ્રતાપપુરા, ખોરવાડ, આંકલાવ તાલુકાનાં ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ, સંખ્યાડ, કહાનવાડી, આમરાલો, ભાણપુરા, આસરમા, નવાખલ, ભેટાસીવાંટા, બોરસદ તાલુકાનાં ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવાણ, બદલપુર, વાલવોડ, સહિત ૨૮ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
આ અંગે આણંદ પૂર નિયંત્રણ કક્ષના મામલતદાર રોબીન મેકવાનએ જણાવ્યું હતું કે કડાણા ડેમમાંથી હજુ પાણી છોડવામાં આવ્યું નથી, પરંતુ પાણી છોડવાની શકયતાઓ રહેલી છે, જેથી જો અચાનક પાણી છોડવામાં આવે તો ભાઠા વિસ્તારમાં રહેતા લોકો માટે મુસ્કેલી સર્જાય તેમ હોઈ નદી કાંઠે ભાઠા વિસ્તારમાં ઝૂંપડા બાંધી રહેતા લોકો તેમજ નદીનાં પટમાં પશુઓ ચરાવતા લોકોને એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે,તેમજ જે તે ગામનાં સરપંચ અને તલાટીને હેડકવાર્ટર નહી છોડવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.