(સંવાદદાતા દ્વારા)સુરેન્દ્રનગર, તા.ર૭
સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. આજે ફરીવાર ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો છે. વહેલી પરોઢેથી આ વરસતા વરસાદે ચારે કોર પાણી પાણીનો માહોલ સર્જી નાખ્યો છે ત્યારે શહેરી જનજીવન ઉપર અસર વર્તાઈ રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં સવારના અનરાધાર વરસતા વરસાદના કારણે શહેરની શાળા કોલેજો સવારથી જ બંધ રાખવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયકા ડેમના ફરીવાર ચાર દરવાજા ખોલવાની ફરજ પડતાં સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ સપ્તાહમાં ચોથીવાર ઓવરફ્લો થઈ અને ભોગાવામાં પાણી વહી રહ્યા છે. નદી-નાળા તળાવો છલકાઈ ઓવરફ્લો થયા છે. વઢવાણની ભોગાવો નદીમાં પાણીની માત્રા વધવાને કારણે લીંબડીના વડોદ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડેલ છે, શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. ત્યારે શહેરમાં જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ વરસાદના કારણે ન આવતા લોકો મોંઘાદાટ શાકભાજી દૂધ જેવી ચીજવસ્તુઓ ઉપર અસર વર્તાઈ છે. સુરેન્દ્રનગરમાં હાલમાં સવારના ૪ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં અંદાજે બે ઈંચ કરતા વધારે વરસાદ થયો છે. નદીનાળા અને કાંઠાના વિસ્તારોમાં લોકોને અવરજવર ન કરવા માટે કલેક્ટર દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે. હાલ પણ વરસાદ વરસવાનો શરૂ જ છે. સુરેન્દ્રનગર અને જિલ્લાના લીંબડી, સાયલા, પાટડી, લખતરને હાલમાં લઈ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને કર્મીઓની રજાઓ રદ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લાની સ્થિતિ બદલાય તો હાલ ટીમો ફાળવાય તેવી સ્થિતિ ન હોવાના કારણે આ આદેશો આપી દેવામાં આવ્યાનું જાણવા મળેલ છે. હળવદ પાસેના રાજવર કુંતાસી ગામ પાસે વહેલી સવારના શાળાનીબસ વિદ્યાર્થીઓને ભરવા લેવા માટે નિકળેલ હતી ત્યારે નાળા-પુલ ઉપર પાણીની એટલી બધી માત્રા ન હતી તે બસનો ડ્રાઈવર ૩પ વિદ્યાર્થીઓ ભરીને પરત થતો હતો ત્યારે હળવદના પિપળિયા અને કુતાસી ગામના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. તેના વહેણમાં બસ ખેંચાવા લાગેલ અને ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પાણીમાં ખાબકી તણાવા લાગેલ અને પાણીમાં પલટતા અને તણાતી જોતા આજુબાજુના લોકોના ટોળે ટોળા આવી પહોંચ્યા હતા અને બસની બારીના કાચતોડીને એક એક કરી ૩પ જેટલા વિદ્યાર્થીઓને મહામહેનત બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ અંગેની જાણકારી મળતા જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલ પણ દોડી આવ્યા હતા. ડ્રાઈવરે સમય સૂચકતા વાપરતા કોઈ જાનહાનિ પહોંચેલ નથી. આ બસમાં ધો.પથી ૧૦ના ૩પ વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમનો આબાદ બચાવ થવા પામેલ છે. જેથી વાલીઓ ઘટનાસ્થળે આવી ભારે વેદના વચ્ચે હાશકારો અનુભવ્યો હતો ત્યારે શાળા-કોલેજોમાં રજાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા છતાં આ શાળા ચાલુ રાખતા કલેક્ટર પટેલ દ્વારા તપાસના આદેશો અપાયા છે.